બગસરા તાલુકાના જૂના ઝાંઝરિયા ગામે એક લગ્ન પ્રસંગમાં જૂની અદાવતનો ખાર રાખી દંપતી પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. ફોન પર થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ લગ્નની ખુશી વચ્ચે દંપતીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી. હર્ષાબેન મેહુલભાઇ મકવાણા (ઉ.વ.૨૬)એ વશરામભાઇ દેવશીભાઇ મકવાણા, જયાબેન વશરામભાઇ મકવાણા તથા અમિતભાઇ વશરામભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ અને તેમનો પરિવાર કુટુંબમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. આ જ પ્રસંગમાં આરોપી વશરામભાઈ પણ હાજર હતો. અગાઉ આરોપી સાથે ફોન પર કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝગડો થયો હતો. આ જૂની વાતનું વેર રાખીને આરોપીઓએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. લગ્ન પ્રસંગ દરમિયાન આરોપી વશરામભાઈ સહિત કુલ ત્રણ શખ્સોએ એકસંપ કરી તેના પતિ અને તેમની પર હુમલો કર્યો હતો. ત્રણેય આરોપીઓએ તેમને અને તેમના પતિને આડેધડ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને જાહેરમાં બિભત્સ ગાળો ભાંડી હતી. આટલેથી ન અટકતા, આરોપીઓએ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. જે બાદ વશરામભાઇ દેવશીભાઇ મકવાણા (ઉ.વ.૫૨)એ મેહુલભાઇ રમેશભાઇ મકવાણા, હર્ષાબેન મેહુલભાઇ મકવાણા તથા અવિભાઇ છગનભાઇ માધડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તેમના ભાઇના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને આરોપી પણ લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. અગાઉ ફોનમાં થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી ગાળો આપી હતી. તેમજ છરીનો એક ઘા ડાબા હાથના બાવડા ઉપર મારી ઇજા કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.જે.બાલસરા વધુ તપાસ કરી રહ્યા છે.










































