અમરેલીની ડેરી સાયન્સ કોલેજના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ડેરી ઉદ્યોગ સંલગ્ન કંપનીઓ સાથે સંકલન કરીને ૧૬ અને ૨૦ એપ્રિલના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ/ઈન્ટરવ્યૂ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અભ્યાસ સાથે સુસંગત અને ગુણવત્તાસભર રોજગાર તકો ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કાર્યક્રમમાં સર્વોત્તમ ડેરી ભાવનગર, આઇકોન પેકટેક ઇન્ડિયા પ્રા. લિમિટેડ, રાજકોટ જે ઓલ રાઉન્ડ પેકેજિંગ મસીનો બનાવતી કંપની છે, તેમજ, માહી મિલ્ક પ્રોડયુસર કંપની લિ., રાજકોટ કે જે એન.ડી.ડી.બી. સલગ્ન કંપની છે, તેવી અગ્રણી કંપનીઓએ ભાગ લીધો હતો. કંપનીઓ દ્વારા લેખિત પરીક્ષા તેમજ વ્યક્તિગત ઈન્ટરવ્યૂ દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પસંદ થયેલા વિદ્યાર્થીઓને રૂ. ૪ લાખથી લઈને રૂ. ૭ લાખ તથા તેથી વધુ સુધીના આકર્ષક વાર્ષિક વેતન પેકેજ ઓફર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્લેસમેન્ટ સેલના ઇનચાર્જ, એમ પી. પરમારના માર્ગદર્શનમાં યોજાયો હતો. કોલેજના પ્રિન્સીપાલ અને ડીન ડો. વિમલ એમ. રામાણીએ ભાગ લેનાર કંપનીઓ તેમજ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.










































