અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ ગત રાત્રિએ અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની ક્રેટા કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને લાઠી તરફથી અમરેલી તરફ લાવવામાં આવી રહ્યો છે. આ દારૂ ભરેલી કારની આગળ એક ગ્રે રંગની સ્વિફ્‌ટ કાર પાયલોટિંગ કરી રહી હતી. આ સચોટ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને સફળતાપૂર્વક દરોડો પાડ્‌યો હતો.પોલીસે આ કામગીરી દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં હરિયાણાના ભિવાનીનો વતની મનોજ મહેતા અને રાજસ્થાનના વતની રામસિંહ સિસોદિયા તથા શંભુસિંહ સિસોદિયાનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન કુલ ૬૩૬ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૬,૦૪,૮૦૦ થાય છે. આ ઉપરાંત પોલીસે રૂ. ૧,૦૫,૦૦૦ની કિંમતના ૬ નંગ મોબાઈલ ફોન, રૂ. ૭ લાખની ક્રેટા કાર અને રૂ. ૩ લાખની સ્વિફ્‌ટ કાર સહિત કુલ રૂ. ૧૭,૦૯,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં હજુ પણ ચાર આરોપીઓ પકડવાના બાકી છે, જેમાં હરિયાણાના સોનીપતનો સુરેન્દ્ર ઉર્ફે જયપાલ જોગી, યુવરાજભાઈ, કાના (જે રેઈડ દરમિયાન નાસી છૂટ્યો હતો) અને ઉદયપુરનો લાલાભાઈ પ્રજાપતિ સામેલ છે. પોલીસે પકડાયેલા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલને આગળની તપાસ માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.