અમરેલી શહેરમાં ફરજ પર તૈનાત પોલીસ જમાદાર અને TRB જવાનો સાથે ગેરવર્તન કરી, ફરજમાં રુકાવટ ઊભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે TRB જવાન મહેશભાઇ રાવતભાઇ ડેર (ઉ.વ. ૩૧) એ રોહિતભાઇ હિંમતભાઇ કાલેણા, હિંમતભાઇ કાલેણા તથા ચિંતનભાઇ હિંમતભાઇ કાલેણા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, અમરેલીમાં ટ્રાફિક પોલીસ જમાદાર અને TRB જવાનો પોતાની કાયદેસરની ફરજ પર હતા. આ દરમિયાન એક ટ્રકનો ચાલક મોબાઈલ ફોન પર વાત કરતા-કરતા બેફિકરાઈથી ટ્રક ચલાવી રહ્યો હતો. ફરજ પરના જવાનોએ તેને અટકાવવાનો ઈશારો કર્યો હોવા છતાં, આરોપીએ ટ્રક ઊભો રાખ્યો નહોતો અને ચાલુ ટ્રકે જ જવાનોને ગાળો આપી હતી. જ્યારેTRB જવાનોએ પીછો કરીને ટ્રક અટકાવ્યો અને ચાલકને પોલીસ પાસે લઈ જઈ કાગળો માંગ્યા, ત્યારે તેણે દસ્તાવેજો રજૂ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.એટલું જ નહીં, રોહિતભાઈ કાલેણાએ ફોન કરીને અન્ય બે સાથીદારોને સ્થળ પર બોલાવી લીધા હતા. આ ત્રણેય શખ્સોએ ભેગા મળીને ફરજ પરના જવાનોને જાહેરમાં અપશબ્દો બોલ્યા હતા. આરોપી ચિંતનભાઈ કાલેણાએ પોલીસ અને TRB જવાનોને “તમારા પર ટ્રક ચઢાવી દઈશું” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સરકારી કર્મચારીની કાયદેસરની ફરજમાં રુકાવટ નાખવા, હુકમનો અનાદર કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી. મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.









































