ધોરાજી શહેરના આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદભાઈ ચાવડાએ વ્યાજખોર હરપાલસિંહ ચુડાસમા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આર્થિક જરૂરિયાતને કારણે હરપાલસિંહ પાસેથી પાંચ લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે લીધા હતા. થોડો સમય વ્યાજ ચૂકવ્યા બાદ નાણાકીય ભીંસ વધતા વ્યાજખોરે દબાણ કરી અરવિંદભાઈનું મકાન પચાવી પાડી પોતાના નામે કરાવી લીધું હતું. આટલેથી ન અટકતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હેરાનગતિ શરૂ કરી હતી. અંતે મજબૂર થઈને ફરિયાદીએ ધોરાજી સિટી પોલીસમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે વ્યાજખોરીના આ કેસમાં ગુનો નોંધીને આરોપી વિરુધ્ધ કડક તપાસ શરૂ કરી છે અને સામાન્ય જનતાને આવા તત્વોથી ડર્યા વગર ફરિયાદ કરવા અપીલ કરી છે.