બગસરા શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન પરશુરામ જન્મોત્સવની ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય અવસરે બગસરાના પવિત્ર પરશુરામ ધામ ખાતે શ્રધ્ધાપૂર્વક ભગવાન પરશુરામનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમસ્ત બ્રહ્મ સમાજ ભવન ખાતે પણ વિશેષ પૂજાવિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા વિવિધ ક્ષેત્રના અધિકારીઓ અને જ્ઞાતિના ગૌરવ સમાન મહાનુભાવોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પરંપરાગત રીતે ‘બ્રહ્મચોર્યાસી’ એટલે કે જ્ઞાતિ સમૂહ ભોજનનું સુંદર આયોજન થયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવોએ ઉમળકાભેર ભાગ લઈને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.










































