ચૂંટણીના માહોલમાં જ્યારે મંત્રીઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરે છે ત્યારે જનતાના પાયાના પ્રશ્નો તેમની સામે પડકાર બનીને ઉભા રહે છે. આવું જ કંઈક છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે જાવા મળ્યું. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સભા સંબોધવા આવેલા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ સમક્ષ ગ્રામજનોએ વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.
પાણેજ ગામના લોકોએ મંત્રીને સીધો સવાલ કર્યો કે ગામ નીચાણવાળા વિસ્તારમાં છે અને રોડ ઊંચો હોવાને કારણે પૂર આવે ત્યારે ગામમાં પાણી ભરાઈ જાય છે. ગ્રામજનોએ યાદ અપાવ્યું કે ૨૦૦૬, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૨૨માં ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. પૂરના પાણીના નિકાલ માટે વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી ઉકેલ કે ગટર લાઈનની વ્યવસ્થા કરવામાં આવી નથી.
સભા દરમિયાન એક મહિલાએ હિંમતપૂર્વક મંત્રીની ગાડી પાસે જઈને રેશનિંગની સમસ્યા રજૂ કરી હતી. મહિલાએ જણાવ્યું કે, પાણેજ ગામમાં સસ્તા અનાજની દુકાન નથી. અનાજ લેવા માટે પાંચ કિલોમીટર દૂર ગેલપુર ગામ જવું પડે છે.ટૂંકા રસ્તા માટે લોકોએ જીવના જાખમે નદી ઓળંગવી પડે છે. વધુમાં, ત્યાં પૂરતો જથ્થો પણ આપવામાં આવતો નથી તેવી ગંભીર ફરિયાદ કરી હતી.
લોકોના વેધક સવાલો સાંભળીને મંત્રી મનીષાબેન વકીલ વિમાસણમાં મુકાઈ ગયા હતા. પહેલા લોકોની મુશ્કેલીઓ વિશે પૂછ્યા બાદ જ્યારે આક્રોશ વધ્યો ત્યારે તેમણે સવાલ પૂછવાનું ટાળ્યું હતું. તેમણે છેવટે ગાંધીનગર સુધી તમારી રજૂઆતો મોકલજા તેમ કહી ઉમેદવારોને પ્રશ્નો નોંધી લેવા સૂચના આપી સભા આગળ વધારી હતી.
નોંધનીય છે કે, આ બેઠક પર ભાજપના જ બળવાખોર ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જેને કારણે ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ બની છે. મંત્રીની સભામાં પણ મેદની ઓછી જાવા મળી હતી, જે પક્ષ માટે ચિંતાનો વિષય છે.









































