ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. આ અકસ્માત વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. દિલ્હીથી મેરઠ જતી મુખ્ય એક્સપ્રેસ વે લેન પર આઇપીઇએમ કોલેજ અક્ઝિત પોઈન્ટ પાસે એક થાર કાર પાર્ક કરવામાં આવી હતી. બે યુવાનો કારમાંથી બહાર નીકળીને એક મોટરસાઇકલ સવાર સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રાવેલર બસે તેમને ટક્કર મારી. આ અકસ્માતમાં, એક થાર સવાર અને એક બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા થાર સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ ઘટના સવારે ૬ઃ૧૦ વાગ્યે બની હતી. બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ત્રીજાનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું. મૃતકોની ઓળખ દીપક અને પ્રવીણ તરીકે થઈ છે. ત્રીજાની ઓળખ હજુ સુધી થઈ નથી. યુવાનોને કચડી નાખનાર ટેમ્પો ટ્રાવેલર દિલ્હીથી હરિદ્વાર જઈ રહી હતી અને તેમાં ૨૬ મહિલાઓ હતી. ટેમ્પો ટ્રાવેલરના ચાલક વીરેન્દ્રને પોલીસે કસ્ટડીમાં લીધો છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે, અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અકસ્માતનું મુખ્ય કારણ ઓવરસ્પીડિંગ કે બેદરકારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે કે શું રસ્તા પર પાર્ક કરેલું વાહન પણ એક કારણ હતું.
ગયા વર્ષે જુલાઈમાં, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર એક મોટરસાઇકલ કાબુ ગુમાવીને ડિવાઇડર સાથે અથડાતાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે સેક્ટર ૫૮ પોલીસ સ્ટેશનને મંગળવારે બપોરે માહિતી મળી હતી કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મેરઠથી દિલ્હી જઈ રહેલી એક મોટરસાઇકલ કાબુ ગુમાવીને ડિવાઇડર સાથે અથડાઈ ગઈ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ યુવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની ઓળખ દિલ્હીના રહેવાસી જીવન જ્યોતિ જેના (૨૪), સુમિત કુમાર (૨૩) અને આદિત્ય રાજ (૨૩) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય કાવડિયા પોશાક પહેરેલા હતા. જાકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કાવડિયા નથી. તેમણે કહ્યું હતું કે સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે તેમની મોટરસાઇકલ ખૂબ જ ઝડપે ચાલી રહી હતી.









































