શિક્ષણ જગતમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, NEET પરીક્ષાના વારંવાર થતા પેપર લીક અને દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલનરત વિદ્યાર્થીઓના સમર્થનમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. દેશના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના ઉપવાસ આંદોલન પ્રત્યે કેન્દ્ર સરકારની નિષ્ઠુરતા સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે.શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગ અને તેમની ધરપકડની ઘોર નિંદા કરવામાં આવી છે. આ જુલમી કાર્યવાહીના વિરોધમાં આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર મારફત મહામહિમ રાષ્ટ્રપતિ અને ભારત સરકારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, યુવાનો અને બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ એકત્ર થઈ સરકારની છાત્ર-વિરોધી નીતિઓ સામે ભારે જનાક્રોશ પ્રદર્શિત કર્યો હતો.










































