અમરેલી નગરપાલિકામાં પેન્શન યોજનાના અભાવે નિવૃત્તિ બાદ આર્થિક સંકટનો સામનો કરી રહેલા ૪૫ નિવૃત્ત કર્મચારીઓ માટે પાલિકા તંત્રે રાહતરૂપ  નિર્ણય લીધો છે. લાંબા સમયથી અટવાયેલી ગ્રેચ્યુટી, હક્કરજા અને એરિયર્સ પેટે કુલ રૂ. ૨.૮૦ કરોડની માતબર રકમની એકસાથે ચુકવણી કરવામાં આવી છે.નિવૃત્તિ બાદ આવકનું કોઈ સાધન ન હોવાથી કર્મચારીઓ માટે આ રકમ ‘જીવનદોરી’ સમાન હતી. પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ તેમજ કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય   અને ચીફ ઓફિસર વિનોદ રાઠોડ સમક્ષ કરાયેલી રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી.પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત લેવાયેલા આ જનહિતકારી નિર્ણયથી વર્ષોથી વંચિત કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. નિવૃત્ત કર્મચારીઓએ પાલિકા પ્રમુખ અને તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.