જિલ્લાની કેશોદ પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને માછલીની ઊલટી એટલે કે શંકાસ્પદ અંબરગ્રીસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત ?૧ કરોડથી વધુ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આરોપી અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપી દીધા છે.
કેશોદ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, એક શખ્સ વ્હેલ માછલીની ઊલટી વેચવા માટે ગ્રાહકની શોધમાં શહેરમાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ શખ્સને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીની ઓળખ બોટાદ જિલ્લાના ગાયત્રીનગર વિસ્તારના રહીશ વૈભવ અશ્વીનભાઈ શુક્લા તરીકે થઈ છે.
પોલીસ અને વન વિભાગના સંયુક્ત નિવેદન અનુસાર, આરોપી પાસેથી ૧ કિલો ૬૨૪ ગ્રામ જેટલો શંકાસ્પદ અંબરગ્રીસનો જથ્થો, એક મોબાઈલ ફોન અને એક મોટરસાઈકલ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રતિબંધિત પદાર્થની કિંમત આશરે ૧ કરોડ ૬૩ લાખ જેટલી થાય છે. કેશોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આ સમગ્ર મામલો કેશોદ વન વિભાગને સોંપ્યો છે.
બીજી તરફ, વન વિભાગે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જૂનાગઢ સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક શાહિદ ખાન મકરાણીએ જણાવ્યું કે, અંબરગ્રીસ એક અત્યંત દુર્લભ પદાર્થ હોવાથી તેની ચોક્કસ ઓળખ અને સત્તાવાર કિંમત નક્કી કરવા માટે જપ્ત કરાયેલા જથ્થાને વૈજ્ઞાનિક પૃથ્થકરણ અર્થે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ આ પદાર્થની અસલિયત અને તેની પાછળ સક્રિય અન્ય સ્મગલરોની વિગતો સ્પષ્ટ થશે.


































