કોડીનારની બે વોલીબોલ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ફલક પર જિલ્લાનું નામ રોશન કર્યું છે. સોમનાથ એકેડમીની પૂર્વ વિદ્યાર્થીનીઓ વાળા રાજલબેન પ્રતાપભાઈ અને વાઢેર અર્પિતા જાદવભાઈએ ઈન્ડિયા અંડર-૧૮ વોલીબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯થી એકેડમીમાં જોડાઈને રમતગમતની કારકિર્દી શરૂ કરનાર આ બંને ખેલાડીઓએ ગત વર્ષોમાં અનેક મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. જેમાં વાળા રાજલબેનઃ સબ-જુનિયર સ્ટેટ બ્રોન્ઝ મેડલ, SGFI સ્ટેટ સિલ્વર મેડલ, KMR સ્ટેટ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત વાઢેર અર્પિતાએ KMR અંડર-૧૪ વોલીબોલ ગોલ્ડ મેડલ, સબ-જુનિયર સ્ટેટ બ્રોન્ઝ મેડલ અને SGFIઅંડર-૧૭ લેવલના વિવિધ મેડલ્સ પોતાના નામે કર્યા છે. વર્ષ ૨૦૨૪-૨૫માં સ્પોટ્‌ર્સ એકેડમી, નડિયાદ ખાતે સિલેક્શન બાદ, રાજલબેને ભારતની અંડર-૧૮ વોલીબોલ ટીમમાં ‘કેપ્ટન’ તરીકેની જવાબદારી નિભાવી હતી. અર્પિતાએ પણ અંડર-૧૮ ટીમમાં સ્થાન મેળવીને થાઈલેન્ડ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એકેડમીના પ્રમુખ કરશનભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કૂણાલભાઈ સોલંકી, DSDO કાનજીભાઈ બાલીયા, DLSS મેનેજર રણજીતભાઈ દાહીમા અને શાળાના આચાર્યે આ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. શાળાના વોલીબોલ કોચ જશરાજભાઈ દાહીમા અને ગીતાબેન વાળા સહિતના કોચિંગ સ્ટાફના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.