નાસિકના ઇન્દિરાનગર વિસ્તારમાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે પહેલા પોતાની પૂર્વ પ્રેમિકા (એક્સ ગર્લફ્રેન્ડ)ની હત્યા કરીને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના બાદ આખા ઇન્દિરાનગરમાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીના પરિવારે તેના લગ્ન કોઈ બીજા યુવક સાથે નક્કી કરી દેતા યુવક નારાજ હતા. જેના કારણે તેણે આવું ભયાનક પગલું ભર્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.નાસિકના ઇÂન્દરાનગરમાં ૨૬ વર્ષીય સાહિલ અશોક લવ્હારે (લવ્હારે) નામના યુવકે પોતાની પૂર્વ પ્રેમિકાની હત્યા કરીને પછી આત્મહત્યા કરી લીધી. કારણ લિવ-ઇન રિલેશનશિપ અને બ્રેકઅપ જણાવવામાં આવ્યું છે. સાહિત જલગાંવ જિલ્લાની રહેવાસી વૈષ્ણવી નામની છોકરીને પ્રેમ કરતો હતો. બંને યવતમાળના ઉમરખેડમાં લિવ-ઇનમાં રહેતા હતા. પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ વૈષ્ણવી અભ્યાસ માટે નાસિક આવી ગઈ અને ઇન્દિરાનગરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગી હતી.આ દરમિયાન વૈષ્ણવીના પરિવારે નાસિકમાં જ નોકરી કરતા એક યુવક સાથે તેના લગ્ન નક્કી કરી દીધા હતા. ખાસ વાત એ છે કે વૈષ્ણવીએ પોતાના થનારા પતિ (મંગેતર)ને સાહિલ વિશે બધું જ કહી દીધું હતું, ત્યાર પછી જ બંનેના લગ્ન નક્કી થયા હતા. જ્યારે સાહિલને ખબર પડી કે વૈષ્ણવીના કોઈ બીજા છોકરા સાથે લગ્ન થવાના છે, તો તે લાલઘૂમ થઈ ગયો હતો. તે યવતમાળથી લગભગ ૫૧૬ કિલોમીટરનું અંતર કાપીને નાસિક પહોંચી ગયો હતો અને દરરોજ વૈષ્ણવીને ફોન કરીને ત્રાસ આપવા લાગ્યો હતો. તે વૈષ્ણવીને સગાઈ તોડી નાખવા માટે દબાણ કરી રહ્યો હતો.શુક્રવારની રાત્રે તેણે વૈષ્ણવીને વાતચીતના બહાને નાસિકના વનસંપદા ગાર્ડન પાસે બોલાવી હતી. ત્યાં બંને વચ્ચે ભારે ઝઘડો થયો હતો. આ દરમિયાન સાહિલે વૈષ્ણવીના મંગેતરને ફોન લગાવી દીધો અને તે બંનેની વાતચીત સાંભળતો હતો. જ્યારે વૈષ્ણવીએ સાહિલની વાત માનવાની ના પાડી તો તેણે ગુસ્સામાં આવીને તેના પર છરીથી હુમલો કરી દીધો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.વૈષ્ણવીની હત્યા કર્યા પછી સાહિલે વૈષ્ણવીના મંગેતરને ફોન પર કહ્યું, “વૈશુ ફિનિશ્ડ, મેં આજે તેને ખતમ કરી નાખી છે. તું ક્યાં છે અને અહીં પહોંચવામાં તને કેટલો સમય લાગશે?” આ સાંભળીને મંગેતર તરત જ ઘટનાસ્થળ તરફ દોડી આવ્યો, પરંતુ ત્યારે વૈષ્ણવીનો જીવ જઈ ચુક્યો હતો.વૈષ્ણવીને જાઈને લોકો ભેગા થવા લાગ્યા હતા. આ દરમિયાન સાહિલ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાના બે કલાક પછી પોલીસને ખબર મળી કે એક યુવકનો મૃતદેહ લટકતો મળ્યો છે. તપાસમાં તે મૃતદેહ સાહિલનો જ હોવાનું સામે આવ્યું હતું. નાસિક પોલીસનું માનવું છે કે હત્યા કર્યા પછી આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે વૈષ્ણવીના મંગેતરની ફરિયાદના આધારે કેસ નોંધી લીધો છે.