વડિયાના બરવાળા બાવીશી ગામે “તમારા રૂપિયા મારા પતિ આપી દેશે” તેમ મહિલાએ કહેતા જીવતી સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે ઇલાબેન નરેશભાઇ ચાવડા (ઉ.વ.૩૦)એ દાદુભાઇ આહીર તથા ભરતભાઇ આહીર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ દાદુભાઈ આહીરની દુકાનેથી તેમણે રૂ.૨૪૦૦નું કરિયાણું ઉધારે લીધું હતું. જેથી તેમના દિયર પાસે આરોપીએ રૂ.૨૪૦૦ની ઉઘરાણી કરી હતી. તેમજ લાફા માર્યા હતા. જે બાદ તેઓ બજારમાં આરોપીની દુકાન પાસેથી નીકળતાં તેને અંદર બોલાવી ઉધારના રૂ.૨૪૦૦ ની ઉઘરાણી કરતા તેમણે તમારા રૂપિયા મારા પતિ આપી દેશે તેમ કહેતા આરોપીએ ચપ્પલથી વાસાના ભાગે માર મારી સામાન્ય ઇજા કરી હતી. તેમજ હાથ પકડી દુકાનમાંથી પેટ્રોલનું ડબલુ લઇ અને તેના શરીરે છાંટી અને આજે તો તને જીવતી સળગાવી દેવી છે તેમ કહી જીવલેણ હુમલો કર્યો હતો.