ગુજરાતમાં ખેડૂતહિતાર્થે ટુકડા ધારામાં સરકારે મહત્વનો સુધારો કર્યો છે, જેને ભાજપ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાએ આવકાર્યો છે. નવી જોગવાઈ મુજબ, રાજ્યમાં ખેતીની જમીનના ૧૦ ગુંઠા કે તેથી વધુના ટુકડાઓને નિયમિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ પિયત અને બિનપિયત જમીનના અલગ-અલગ ધોરણોને લીધે ખેડૂતોને વારસાઈ, વહેંચણી અને ખરીદ-વેચાણ જેવા મહેસૂલી કાર્યોમાં મોટી કાયદાકીય મુશ્કેલીઓ નડતી હતી. હવે સમગ્ર રાજ્યના ગ્રામ્ય વિસ્તારો માટે ૧૦ ગુંઠાનું એકસમાન ધોરણ નક્કી થવાથી આવી તમામ વહીવટી ગૂંચવણો દૂર થશે અને અટવાયેલા જમીન વ્યવહારોને ઝડપી ગતિ મળશે. વધતા શહેરીકરણ અને માળખાગત વિકાસ વચ્ચે જમીનની વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ કરાયેલો આ સુધારો ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરશે. આ નિર્ણય બદલ કિસાન મોરચાએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સહિતની નેતાગીરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.





































