લીલીયા તાલુકાના એકલારા ગામે સરદાર પટેલ યુવક મંડળ દ્વારા ભક્તિસભર માહોલમાં રામજી મંદિરનો ૨૦મો અને સ્વામિનારાયણ મંદિરનો ૧૫મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હત ો. આ મંગલ અવસરે વહેલી સવારથી જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના, હોમાત્મક યજ્ઞ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. મંદિરોમાં ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓના અન્નકૂટ ધરાવી દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. યજ્ઞના આચાર્ય પદે ભરતદાદા રાજ્યગુરુ અને નરેશદાદા રાજ્યગુરુએ સેવા આપી હતી. આ પ્રસંગે નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મહામંડલેશ્વર લલિત કિશોર મહારાજના સાનિધ્યમાં ધર્મસભા યોજાઈ હતી. જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને કૌશિકભાઈ વેકરીયા સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































