અમરેલી શહેરના લાઠી રોડ ફાટક પાસે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગત સાંજે બે પાડોશી પરિવારો વચ્ચે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું થયું હતું. પાળેલા કૂતરાના મામલે શરૂ થયેલો વિવાદ લોહિયાળ અથડામણમાં પરિણમ્યો હતો, જેમાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પ્રથમ પક્ષે, સવિતાબેન પ્રકાશભાઇ વાઘેલા (ઉ.વ. ૩૫)એ કંચનબેન સુરેશભાઇ માથાસુળીયા અને સુરેશભાઇ ધરમશીભાઇ માથાસુળીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમનો પાળેલો કૂતરો પાડોશમાં રહેતા કંચનબેન માથાસુળીયાના ફળિયામાં ગયો હતો. આ બાબતનો ખાર રાખી કંચનબેન અને સુરેશભાઈએ ગાળો આપી હતી. જ્યારે સવિતાબેને ગાળો આપવાની ના પાડી ત્યારે આરોપીઓએ લાકડી વડે હુમલો કર્યો હતો. સુરેશભાઈએ સવિતાબેનના માથામાં લાકડીનો ફટકો મારતા તેમને ચાર ટાંકા આવ્યા હતા. વચ્ચે પડનાર સવિતાબેનની દીકરી અને પુત્રવધૂને પણ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.સામે પક્ષે, સુરેશભાઇ ધરમશીભાઇ માથાસુળીયા (ઉ.વ.૫૧)એ સવિતાબેન પ્રકાશભાઇ વાઘેલા તથા પ્રકાશભાઇ દિનેશભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, એકાદ મહિના પહેલા થયેલા ઝઘડાનું વેર રાખીને આરોપીઓએ તેમની દીકરીને ગાળો આપી હતી. પત્ની કંચનબેને વિરોધ કરતા બંને આરોપીઓ લાકડીઓ લઈને ધસી આવ્યા હતા. સવિતાબેને સુરેશભાઈના માથામાં લાકડી મારતા તેમને છ ટાંકા આવ્યા હતા, જ્યારે પ્રકાશભાઈએ કમરના ભાગે લાકડી ફટકારી હતી તેમજ ગાલ ઉપર એક ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.