ધ્રાંગધ્રા શહેરમાં એક અત્યંત હૃદયવિદારક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ચાર વર્ષના નિર્દોષ બાળકની નિર્મમ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનામાં અંધશ્રદ્ધા અને તાંત્રિક પ્રથાઓનો ભયાનક ચહેરો બહાર આવ્યો છે. બાળક કાર્તિકના રહસ્યમય મૃત્યુ પાછળ તાંત્રિક વિધિઓ અને ખોટા ધાર્મિક દાવાઓ જવાબદાર હોવાની શંકાએ સમાજને હચમચાવી દીધો છે. આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધવિશ્વાસ કેટલો ખતરનાક બની શકે છે.
મૃતક બાળક કાર્તિકના પિતા ફારુકભાઈ બળદેવભાઈ એછવાડિયા અને તેમના પરિવારને પહેલેથી ચાર દીકરીઓ હતી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા આ પરિવારે પડોશમાં રહેતા રેહાનાબેન પર વિશ્વાસ કર્યો હતો. આ મહિલા પોતાને માતાજીના ભુવા તરીકે ઓળખાવતી હતી અને તેણે પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે ‘બાધા’ આપવાનો દાવો કર્યો હતો. સમય જતાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પરિવારમાં પુત્રનો જન્મ થયો. જેને કાર્તિક નામ આપવામાં આવ્યું. જાકે બાળકના જન્મ બાદ તાંત્રિક મહિલાએ પશુ બલિ આપવાની માંગણી કરી હતી. જેને બાળકની માતાએ સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
આ મુદ્દે થયેલા વિવાદ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ૪ એપ્રિલના રોજ કાર્તિક પોતાના ઘરની નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો. પરિવારે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. થોડા સમય બાદ શંકાસ્પદ પરિસ્થિતિઓ વચ્ચે તાંત્રિક મહિલાના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી અને પરિવાર તેમજ સ્થાનિકોમાં ભારે દુઃખ અને રોષ ફેલાયો.
આશ્ચર્યજનક રીતે શરૂઆતમાં પરિવારે કોઈ કાયદેસર કાર્યવાહી કર્યા વિના જ બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. પરંતુ સમય જતાં હત્યાની શંકા વધુ મજબૂત બનતા લગભગ ૧૨ દિવસ બાદ ધ્રાંગધ્રા પોલીસ પાસે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા આરોપી તાંત્રિક મહિલા સામે હત્યા, કાળા જાદુ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી.
આ ઘટના માત્ર એક ગુનાહિત કૃત્ય નથી. પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. અંધશ્રદ્ધા અને ખોટા ધાર્મિક દાવાઓના નામે લોકો કેવી રીતે ભ્રમિત થાય છે અને તેનો અંત કેટલો ભયાનક બની શકે છે. તે આ બનાવે સ્પષ્ટ કર્યું છે. નિર્દોષ બાળકની હત્યાએ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકો હવે આવા તાંત્રિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ કેસ સમાજને જાગૃત રહેવા અને વૈજ્ઞાનિક વિચારધારા અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે.









































