ગીર સોમનાથ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે કોડીનાર પોલીસે લાલ આંખ કરી છે. રોણાજ રોડ પર આવેલા એક આંબાના બગીચામાં મધરાત્રે બેટરીના અજવાળે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્‌યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૩ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે ૪ આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૫૯,૦૦૦, ૩ મોબાઈલ, ૨ મોટરસાયકલ અને ૧ ઇક્કો કાર મળી કુલ રૂ. ૩.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખ્સોમાં ઉના અને કોડીનારના શખ્સોનો સમાવેશ થાય છે. કોડીનાર પી.આઈ. એન.વી. હરિયાણીની ટીમ દ્વારા બાતમીના આધારે કરવામાં આવેલી આ સફળ રેડથી જુગારી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ફરાર ૪ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.