ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે દૂધમાં ભેળસેળ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે રાજકોટ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા એક ખાનગી ડેરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં નફાખોરી માટે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સક્રિય બન્યા છે ત્યારે રૂરલ પોલીસની એસ.ઓ.જી. ટીમે ઝાંઝમેર ગામે આવેલી ખાનગી ડેરીમાં તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે ડેરી સંચાલક રાજુભાઈ ઉર્ફે રાહુલ અને સાગરભાઈ ગામમાંથી દૂધ એકઠું કર્યા બાદ, દૂધની ક્વોન્ટિટી અને ફેટ વધારવાના હેતુથી તેમાં ભેળસેળ કરીને બનાવટી દૂધ બનાવતા હતા. પોલીસે આ સ્થળેથી આશરે ૪૦૦ લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવતા તેને કબજે કર્યો હતો. આ બાબતે ફૂડ સેફ્‌ટી ઓફિસરને જાણ કરવામાં આવી હતી અને દૂધના સેમ્પલ પૃથ્થકરણ (લેબ ટેસ્ટિંગ) અર્થે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.