બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામમાં ગ્રામ પંચાયતના વહીવટમાં વ્યાપક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સાથે એડવોકેટ અજયભાઈ ઢોલરીયાએ માહિતી અધિકાર હેઠળ વિગતો માંગી હતી. જોકે સરપંચ અને અન્ય રાજકીય વગ ધરાવતા લોકોના દબાણને વશ થઈને તલાટીઓએ આ માહિતી આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા. નવાઈની વાત એ છે કે તાલુકા વિકાસ અધિકારીએ સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતાં તલાટીઓએ માહિતી પૂરી પાડી ન હતી. આ આડોડાઈ સામે છેવટે માહિતી અધિકાર આયોગમાં અપીલ કરવામાં આવતા કમિશનરે તેને ગંભીર બેદરકારી ગણાવી ચાર તલાટીઓને આકરો દંડ ફટકાર્યો છે.આ આદેશ મુજબ પૂર્વ તલાટી ક્રિષ્નાબેન ભુવાને ૬,૫૦૦ રૂપિયા, મનીષભાઈ કનાડાને ૯,૨૫૦ રૂપિયા, વી.એમ. સાદરાણીને સૌથી વધુ ૧૫,૫૦૦ રૂપિયા અને જે.ડી. પટોડીયાને ૪,૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ તમામ રકમ સરકારી તિજોરીમાંથી નહીં પરંતુ કર્મચારીઓએ પોતાના ખિસ્સામાંથી ભરવાની રહેશે, અન્યથા તેમના પગારમાંથી કપાત કરવામાં આવશે. આ કડક પગલાને કારણે સરકારી તંત્રમાં અને ખાસ કરીને બગસરા તાલુકાના કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.









































