ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાજકોટના ગોંડલ પંથકમાં કોંગ્રેસને જોરદાર આંચકો લાગ્યો છે. મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર શૈલેષભાઈ શિવાભાઈ મકવાણાએ પક્ષ પલટો કરીને કેસરિયો ધારણ કર્યો છે. રિબડા ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં રાજદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. રાજદીપસિંહ જાડેજાએ શૈલેષભાઈને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પૂર્વે રાજદીપસિંહ જાડેજા દાળિયા તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ કરાવવામાં સફળ રહ્યા હતા, ત્યારબાદ હવે જિલ્લા પંચાયત બેઠક પર પણ કોંગ્રેસ નબળી પડી છે. શૈલેષભાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના ગ્રામ્ય વિકાસના કાર્યોથી પ્રભાવિત થઈને તેમણે આ નિર્ણય લીધો છે.










































