ગિરનાર પર્વત પર જૈન ધર્મની જગ્યાને સરકાર દ્વારા કેટલીક જમીન ફાળવવામાં આવતા વિવાદ થયો છે. ગિરનાર પર કોનો હક તેને લઇને સનાતન ધર્મ અને જૈન ધર્મ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. છેલ્લા એક મહિનાથી જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ફાળવવામાં આવેલી આ જગ્યાને લઇને વિરોધ જાવા મળી રહ્યો છે.
ગિરનાર સંરક્ષણ સમિતિ નેજા હેઠળ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યા જૈન ધર્મ પાસેથી પરત લેવા અને અલગ અલગ ૫૭ માંગણીઓ સાથે જૂનાગઢ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. પાછલા એકાદ મહિનાથી જૂનાગઢમાં ગિરનાર પર્વત પર જૈન ધર્મની સંસ્થાને ફાળવવામાં આવેલી કેટલીક જગ્યાને લઈને સનાતન ધર્મોમાં ભારે વિરોધ જાવા મળી રહ્યો છે. ગિરનારને બચાવવા માટે અને સનાતન સંસ્કૃતિનું રખેવાળ કરી શકાય તે માટે ગિરનાર સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી અને તેના નેજા નીચે જૂનાગઢમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનાથની સાથે સમગ્ર રાજ્યમાંથી આવેલા સાધુ સંતો અને તેમના પ્રતિનિધિઓએ સંત સંમેલનમાં હાજરી આપીને રાજ્યની સરકાર દ્વારા ગિરનાર પર્વત પર ફાળવવામાં આવેલી તમામ જગ્યા જૈન ધર્મ પાસેથી પરત લેવામાં આવે તેવી અલગ અલગ ૫૭ જેટલી માંગણીઓ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું.
સંત સંમેલનમાં ખાસ હાજરી આપવા માટે આવેલા જ્યોતિર્નાથ મહારાજે ગિરનાર સંરક્ષણ સમિતિ હેઠળ રાખવામાં આવેલી માંગણીઓને લઈને વિગતો આપી હતી જે અંતર્ગત સીતાવનની જગ્યા પાછળ દુર્લભ એવા ૧૨૦ વૃક્ષો અને સમગ્ર વિસ્તારમાં ૫૦૦થી ૬૦૦ વૃક્ષોને સુરક્ષિત કરવામાં આવે, સીતાવનની જગ્યાના બંને દરવાજાની સાઈડમાં બાંધકામ કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, શેસાવન વિસ્તારની જગ્યાઓમાં ગૌમુખી ગંગા તરફ જતા રામજી મંદિર વાળી જગ્યાના આગળના હિસ્સામાં જૈન ધર્મની એક પેઢી દ્વારા ૧૯૮૦થી વન વિભાગની કેટલીક જગ્યામાં પાકું બાંધકામ કર્યું છે, આ બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ ધાર્મિક જગ્યામાં જૈન મુનિના અગ્નિ સંસ્કાર કે તેમનું સમાધિ સ્થાન ન બનાવવા દેવું. ગિરનાર ક્ષેત્રમાં રહેતા સનાતન ધર્મના સાધુ સંતો અને પૂજારીઓને ફોરેસ્ટ વિભાગની કનડગતમાંથી મુકત અપાવવી, જૈન ધર્મના કેટલાક લોકો દ્વારા હિન્દુ અને સનાતનની ધર્મીઓને રોકવામાં આવે છે તેના પર કાર્યવાહી કરવી, ગિરનાર પર્વત પર આવેલા સનાતન ધર્મની જગ્યા મંદિરો અને આશ્રમોને વીજ જાડાણ આપવાની સાથે ૧૯૬૨/૬૩ માં બનેલા ફોરેસ્ટ સેટલમેન્ટ દ્વારા જંગલ વિસ્તારમાંથી બાકાત કરવામાં આવેલી જગ્યાઓનું સીટી સર્વે નંબર આપવા માટે કાર્યવાહી કરવી. આવી ૫૭ અલગ અલગ માંગણી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને સોંપવામાં આવ્યું છે.