રાજુલા તાલુકાના ભચાદર ગામે માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. વાડીમાં કેરી ઉતારવાનું કામ કરી રહેલી એક મહિલાના હાથમાંથી અકસ્માતે કેરીનું કેરેટ નીચે પડી જતાં, વાડી માલિક અને તેના પિતાએ ઉશ્કેરાઈને શ્રમિક મહિલાને ધોકા વડે બેફામ માર મારતા ચકચાર મચી ગઈ હતી.આ બનાવ સંદર્ભે રતનબેન ભાવેશભાઇ પરમારે (ઉ.વ. ૪૦) ભાવેશભાઇ બાબુભાઇ પરમાર તથા બાબુભાઇ કાનાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તારીખ ૨૩/૦૪/૨૦૨૬ના રોજ સવારના દશેક વાગ્યે રતનબેન ભચાદર ગામે રાજુભાઈ માત્રાભાઈની વાડીમાં કેરી ઉતારવાની મજૂરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમના હાથમાંથી કેરી ભરેલું એક કેરેટ નીચે પડી ગયું હતું. આ મામૂલી બાબત વાડીમાં હાજર ભાવેશ અને તેના પિતા બાબુભાઈને ગમી નહોતી. માત્ર કેરેટ પડી જવા જેવી સામાન્ય ઘટનામાં પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે મહિલાને પકડીને ધોકા વડે આડેધડ મુંઢમાર મારવાનું શરૂ કર્યું હતું. હાલ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ. એલ. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































