પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટને તાજેતરના સંબોધનને લગતો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. લગભગ ૭૧૪ નેતાઓ, સામાજિક કાર્યકરો અને ભૂતપૂર્વ અમલદારોએ ચૂંટણી પંચ પાસે ફરિયાદ નોંધાવી છે, જેમાં તપાસની માંગણી કરવામાં આવી છે. તેમનો આરોપ છે કે આ ભાષણ આદર્શ આચારસંહિતાનું સ્પષ્ટ અને ગંભીર ઉલ્લંઘન હતું.
ફરિયાદીઓનું કહેવું છે કે તેમના ભાષણમાં, પ્રધાનમંત્રીએ ૩૩% મહિલા અનામતને લઈને વિરોધી પક્ષો પર પ્રહાર કર્યા હતા, જે ચૂંટણી વાતાવરણમાં પક્ષપાતી પ્રચારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો આરોપ છે કે સરકારી મશીનરી અને જાહેર સંસાધનોનો ઉપયોગ ચૂંટણી લાભ માટે કરવામાં આવ્યો હતો, જે નિષ્પક્ષ ચૂંટણીની મૂળભૂત ભાવનાને નબળી પાડે છે.
અરજીમાં જણાવાયું છે કે જા આ ભાષણ ચૂંટણી પંચની પૂર્વ પરવાનગી વિના પ્રસારિત કરવામાં આવ્યું હોય, તો તે આચારસંહિતાનું ગંભીર ઉલ્લંઘન છે. પંચે આ ભાષણને તમામ સત્તાવાર રેકોર્ડ, સરકારી વેબસાઇટ અને મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો નિર્દેશ આપવો જાઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જાઈએ.
ફરિયાદ પર સહી કરનારાઓમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ, ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ, ભૂતપૂર્વ આઇએએસ અધિકારી એમ.જી. દેવસહયમ, શિક્ષણવિદ્‌ ઝોયા હસન, સંગીતકાર ટી.એમ. કૃષ્ણા અને રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવ જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાષણનું દૂરદર્શન, સંસદ ટીવી અને ઓલ ઇન્ડિયા રેડિયો જેવી સરકારી માલિકીની ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણપણે જનતા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.આનાથી શાસક પક્ષને અન્યાયી લાભ મળવાનો આરોપ છે. ફરિયાદીઓએ ચૂંટણી પંચ પાસે સંબોધનની સામગ્રી અને પ્રસારણ પ્રક્રિયાની તપાસ કરાવવા, ટ્રાન્સક્રિપ્ટની તપાસ કરાવવા અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે.