લાઠી સ્ટેટના રાજકુંવર અને સોમનાથ મહાદેવના અનન્ય રક્ષક વીર હમીરસિંહ ગોહિલના બલિદાનને યાદ કરવા માટે શૌર્ય દિવસ નિમિત્તે વિશેષ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૈશાખ સુદ નોમના પવિત્ર દિવસે જ્યારે વિધર્મી આક્રમણખોરો સામે સોમનાથ મંદિરના અસ્તિત્વને બચાવવા માટે તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી હતી, તે ક્ષણને આજે પણ ગુજરાતની ધરા ગૌરવપૂર્વક યાદ કરે છે. આ પવિત્ર અવસરે લાઠીના ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજીના નિવાસસ્થાને સ્તુતિ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય વિરાંજલિ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા વીર હમીરસિંહ ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્તુતિ ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતા, ઉપપ્રમુખ મુનુ બાપુ ગોસાઈ તથા અગ્રણીઓ બાલાભાઈ ભટ્ટ અને હરેશભાઈ સેજુ સહિતનાઓ હાજર રહ્યાં હતાં.









































