ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ અને ગેલેક્સી ચોક વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી સીસી રોડની કામગીરી હાલ સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે. છેલ્લા ૧૫ વર્ષથી ભૂગર્ભ ગટરના પ્રશ્નોથી ઝઝૂમતી જનતા પર હવે ગોકળગાયની ગતિએ ચાલતા રોડના કામનો બોજ પડ્યો છે. નિયમ મુજબ કાટમાળનો તાત્કાલિક નિકાલ કરવાને બદલે દુકાનોની સામે ઢગલા કરી દેવાતા વેપારીઓના ધંધા-રોજગાર છેલ્લા બે મહિનાથી સંપૂર્ણ ઠપ્પ થઈ ગયા છે. ગેલેક્સી ચોક જેવા સંવેદનશીલ વિસ્તારમાં હોસ્પિટલો હોવા છતાં રસ્તાઓ ખોદીને કામગીરી અધ્ધરતાલ છોડી દેવાતા દર્દીઓને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તંત્ર અને રાજકીય નેતાઓની નિષ્ક્રિયતાને કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા હોય તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.










































