ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે કડક કાર્યવાહી હાથ ધરતા એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારો નિર્ભય વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત લાકડીયા પોલીસએ એક ઇસમને દેશી બનાવટની એક નાળવાળી બંદુક સાથે ઝડપી પાડ્યો છે.
માહિતી મુજબ, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સક્રિય પેટ્રોલિંગ કરી રહી હતી.
આ દરમિયાન પોલીસ ઇન્સપેક્ટર સી.એસ. કુગસીયા અને તેમની ટીમ પ્રાઈવેટ વાહન મારફતે લાકડીયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન ચાંન્દ્રોડી ગામના મોથાળાવાંઢ (મુસાવાંઢ) સીમ વિસ્તારમાં ખેતરો તરફ જતાં બાવળના ઝાડોથી ઘેરાયેલા રસ્તા પાસે એક શંકાસ્પદ વ્યકિત નજરે પડ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને અટકાવ્યો અને તેની તપાસ કરતાં તેની પાસેથી દેશી બનાવટની એક નાળવાળી બંદુક મળી આવી હતી.
પોલીસે આરોપી લાલમામદ ઉર્ફે લાલો અભરામ ઉર્ફે ઇબ્રાહિમ સમા (ઉંમર ૨૪ વર્ષ), રહે. મોથાળાવાંઢ, ચાંન્દ્રોડી, તાલુકા ભચાઉ, કચ્છને કાયદેસરની રીતે કસ્ટડીમાં લીધો છે. આ મામલે લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. તે સામે વર્ષ ૨૦૨૨માં લાકડીયા પોલીસ સ્ટેશનમાં ચોરી સંબંધિત ગુનો નોંધાયેલ હતો, જ્યારે ૨૦૨૫માં સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો હતો. આથી પોલીસે તેની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે, જેથી ગેરકાયદેસર હથિયારોના અન્ય સ્રોતતો અંગે માહિતી મળી શકે.
આ સમગ્ર કામગીરી લાકડીયા પોલીસ ઇન્સપેક્ટર સી.એસ. કુગસીયા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં આવી જ કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે, જેથી ચૂંટણી સમયગાળામાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવી શકાય.