સુરતમાં ખ્યાતનામ ઉદ્યોગપતિ પરિવારની પુત્રવહુની આત્મહત્યામાં હજી પણ રહસ્ય પરથી પડદો ઉંચકાયો નથી. ઘોડદોડ રોડ પરના હાર્મની ગ્રુપના અશોક કેજરીવાલની પુત્રવધુ ખ્યાતિ કેજરીવાલના આપઘાતમાં હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી. પરંતું આપઘાત પહેલા ખ્યાતિએ તેના ભાઈ-બહેન સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. હાલ પોલીસે ખ્યાતિનો ફોન એફએસએલ રિપોર્ટ માટે મોકલી આપ્યો છે.
સુરતના ઉદ્યોગપતિ પરિવારની વહુ ખ્યાતિ કેજરીવાલ આપઘાત કેસને બે દિવસ થઈ ગયા છે. જાકે, ખ્યાતિ કેજરીવાલે કયા કારણોસર આપઘાત કર્યો હતો, તે હજી જાણી શકાયું નથી. મંગળવારે બપોરે તે પોતાના રૂમમાં આપઘાત કરવા ગઈ હતી. જેના બાદ તેણે દરવાજા ખોલ્યો ન હતો. બીજી ચાવીથી દરવાજા ખોલતા ખ્યાતિએ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી.
ખ્યાતિના માતાપિતા દીકરીના મોતથી સમસમી ગયા છે. એક તરફ તેમનો પરિવાર વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે જ દીકરીની અર્થી ઉઠી હતી. જે તેમના માટે ભારે અસહ્ય બની રહ્યું હતું ખ્યાતિનો ભાઈ સિદ્ધાર્થ અને બહેન અનુષ્કા અમેરિકામાં અભ્યાસ કરે છે. બંનેનો પદવીદાન સમારોહ યોજાવાનો હતો, તેથી માતાપિતા પણ તેમાં હાજરી આપવા માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા હતા. સમગ્ર પરિવાર ખૂબ જ ઉત્સાહિત હતો. તે વચ્ચે દીકરીએ મોત વ્હાલુ કર્યું હતું. આમ, માતાપિતાના વિદેશ પ્રવાસને બદલે દીકરીની અર્થી ઉઠી હતી.
ખ્યાતિ કેજરીવાલના આપઘાતથી તેના ભાઈ અને બહેન પર પણ આભ તૂટી પડ્યુ છે. કારણ કે, બંને વિદેશમા રહેતા હોવાથી ખ્યાતિ સાથે બંનેની વીડિયો કોલ પર વાતચીત થતી હતી. ખ્યાતિના આપઘાતના આગામી દિવસે જ સિદ્ધાર્થ અને અનુષ્કા સાથે તેણે વીડિયો કોલ પર વાત કરી હતી. ત્યારે બંનેએ ખ્યાતિનો હસતો ચહેરો જાયો હતો. જેના બાદ તેના મોતના સમાચાર આવ્યા હતા.
ખ્યાતિ કેજરીવાલ આપઘાત કરે તેવી વાત ગળે ઉતરતી નથી. કારણ કે, ખ્યાતિના ભાઈ-બહેન સાથે તેની આગલા દિવસે જ વાત થઈ હતી. વીડિયો કોલમાં ખ્યાતિ બહુ જ ખુશખુશાલ દેખાતી હતી. તેના ચહેરા પર જરા પણ ટેન્શન કે હતાશા ન હતી. તેણે બહેન અનુષ્કાને એમ પણ કહ્યું હતું કે, મમ્મી-પપ્પા અમેરિકા આવે તો તારા માટે ચંપલ મોકલીશ. આમ, તેના ચહેરા પર ઉત્સાહ હતો. તે દુખી લાગતી ન હતી.
સુરતના ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, ‘અમે ખ્યાતિ કેજરીવાલ આપઘાત કેસમાં તમામ પાસા અને એગલથી તપાસ કરી રહ્યાં છીએ. પરિવારના લોકોના નિવેદનો લેવાઈ રહ્યા છે.એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ આવી શકશે.
હાર્મન યાર્ન્સનો કારોબાર અનેક દેશોમાં ફેલાયેલો છે. ૧૯૯૨ મા તેની સુરતથી શરૂઆત થઈ હતી. કંપની ડાઈ યાર્ન, ટેક્સચરાઈઝ્ડ યાર્ન્સ અને એર ટેકસ યાર્ન્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. યુરોપ, આફ્રિકા, એશિયા જેવા દેશોમાં આ કંપની યાર્ન એક્સપોર્ટ કરે છે.