મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધને અંતે વિરામ મળ્યો હોવાનુ સામે આવ્યું છે. વાસ્તવમાં ૧૫ ગામોના ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સાથે થયેલી ચર્ચાઓ બાદ હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય કુકસ ગામે યોજાયેલા મહાસંમેલનમાં લેવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, ખેડૂતોમાં અસંતોષનું મુખ્ય કારણ મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જા મળ્યા બાદ ઉભા થયેલા વિકાસ યોજનાઓના પ્રશ્નો હતા. ટી.પી. (ટાઉન પ્લાનિંગ) અને ડી.પી. (ડેવલપમેન્ટ પ્લાન) હેઠળ જમીન કપાતની શક્્યતા, ખાસ કરીને આશરે ૪૦ ટકા સુધીની જમીન જતી રહેવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા ફેલાવી હતી. ઉપરાંત, કેટલાક વિસ્તારોને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સમાવેશ કરવાની પ્રક્રિયાએ પણ વિરોધને વેગ આપ્યો હતો.
વિગતો મુજબ ખેડૂતોના દબાણ અને ચર્ચાઓ બાદ સરકારે મહત્વપૂર્ણ બાંહેધરી આપી છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે સૂચિત વિસ્તારોને ફરીથી એગ્રિકલ્ચર ઝોનમાં ફેરવવાની ખાતરી આપવામાં આવી છે. સાથે જ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ગામોના હિતને ધ્યાનમાં રાખીને ટી.પી. અને ડી.પી. યોજનાઓમાં જરૂરી ફેરફારો કરવાની પણ વાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ ખેડૂતોમાં થોડો વિશ્વાસ ઉભો થયો છે, જેના પરિણામે આંદોલનને તાત્કાલિક સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમ છતાં ખેડૂતોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જા સરકાર પોતાના વચનો પર ખરી નહીં ઉતરે તો તેઓ ફરીથી આંદોલનનો માર્ગ અપનાવશે.










































