(૧)મારે અન્યાય વિરુધ્ધ અવાજ ઉઠાવવો છે તો શું કરું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
પેલા કોઈને ક્યો કે તમને અન્યાય કરે.
(૨)રૂપિયા અને રુપમાંથી વધારે મહત્વનું શું?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
લગ્ન પહેલા રુપ, પછી રૂપિયા.
(૩)તમો જિલ્લા પંચાયત ચૂંટણી કેમ લડતા નથી?
અશોકભાઈ જોશી (લીલીયા મોટા)
સ્ટેજ થોડું નાનું પડે છે.
(૪)વાચકો તમને આડાઅવળા અને અર્થહીન પ્રશ્નો પૂછે છે તો તમને કંટાળો નથી આવતો?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ, જી.પંચમહાલ)
હવે તમે સીધા અને અર્થસભર સવાલ પૂછીને કંટાળો દૂર કરજો.
(૫)પક્ષીઓ સળી ભેગી કરી ને માળો બનાવે અને માણસ કોઈની સળી કરે, પક્ષીઓ અને માણસની કામગીરીનો તફાવત જણાવશો.
હરિભાઈ ધોરાજિયા (લીલીયા મોટા)
સળી વડે પક્ષી માળો બનાવે, સળી વડે માણસ કોઈનો માળો વિખી નાખે.
(૬)લગ્નવાન્છુ યુવકને “મુરતિયો” કહેવાય છે; યુવતીને?
કનુભાઈ પરમાર (દામનગર)
મહિલા મુરતિયો!
(૭)તમે જવાબને બદલે ક્યારે પ્રશ્ન પૂછશો??
કમલેશ મકવાણા (બોડેલી)
જ્યારે વાચકો સવાલને બદલે જવાબ આપવા સક્ષમ બની જશે ત્યારે.
(૮)સંત અને સતમાં શું ફરક?
બાલુભાઈ કિકાણી (લીલિયા)
દોઢ બે હજાર વરસ તપ કર્યા પછી હું સંત બની જઈશ પછી આ સવાલનો જવાબ આપીશ.
(૯) આજે કોઈને આ જન્મમાં બીજી વખત ફેરા ફરવાનો મોકો મળે તો કોની સાથે ફેરા ફરે? (પહેલું પાત્ર જીવંત છે)
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
આ ગરમીમાં તો ઊભા થવાનું મન નથી થાતું એમાં ફેરા કોણ ફરે?!
(૧૦) એવું ક્યું પક્ષી છે કે જે બધાથી વધારે ઉડે છે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
જનરલ નોલેજ માટે બજારમાંથી કોઈ સારું પુસ્તક ખરીદી લો.
(૧૧)સાહેબ..! આપને બધા વાચકો સાથે હોર્મુઝની ખાડીની મુલાકાતે જવાનું થાય તો?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન (સાજણટીંબા)
એક બે ખાલી શીશી પણ ભેગી લઈ લઉં. ત્યાં પેટ્રોલના જહાજો ઊભા હોય. બે શીશીમાં કોણ ના પાડે?
(૧૨) તમારે દર રવિવારે ઘરકામ જાતે કરવું પડે છે કે રોજે રોજ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ના, હું તમારા જેટલો દુઃખી નથી.
(૧૩)તમે ટીવી સીરિયલ બનાવો.
રામભાઈ પટેલ (સુરત)
જોશે કોણ?
(૧૪)દોડવું હોય અને ઢાળ ન મળે તો શું કરવું?
દર્શન પટેલ (વડોદરા)
સગવડ હોય તો સ્વખર્ચે ઢાળ બનાવડાવી લો.
(૧૫) મસ્ત જોક્સ કહો!
જય દવે (ભાવનગર)
મસ્ત જોક્સ.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..