જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓમ રેસિડન્સી સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી રૂ. ૧,૧૫,૨૦૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૫ લાખની કાર સહિત કુલ રૂ. ૬,૧૫,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી રાજુભાઈ હાસાનંદ પરસરામાણી (ઉંમર ૫૦) નામના એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની વિગતો મુજબ, તા. ૨૧-૦૭-૨૦૨૬ના રોજ ગુલાબનગર રાજપાર્ક સેવાસદનની પાછળ આવેલા ઓમ રેસિડન્સી સામે પાર્ક કરાયેલી સફેદ રંગની ક્રેટા કાર (રજિ. નં. જી.જે.૧૦.ડીએન.૧૬૨૬) પર દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૧૮ બોટલ, કિંમત રૂ. ૧,૧૫,૨૦૦ તથા ક્રેટા કાર કિંમત રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૬,૧૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં રાજુભાઈ હાસાનંદ પરસરામાણી (ઉંમર ૫૦), રહે. ઓમ રેસિડન્સી, ગુલાબનગર, જામનગરની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ), ૧૧૬(બી) અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રાજ વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































