લાઠીના જરખીયા ગામની પરિણીતાને મરવા મજબૂર કરનારા પતિ સહિત સાસરિયા સામે ગુનો દાખલ કરાયો હતો. જરખીયા ગામે રહેતા રામભાઇ દેવાયતભાઇ ડેર (ઉ.વ. ૩૮)એ ભાવનગરના મહુવાના ખડસલીયા ગામે રહેતા રાજુભાઇ રાણાભાઇ ભમ્મર, દેવુબેન રાણાભાઇ ભમ્મર, પુનમબેન રાણાભાઇ ભમ્મર તથા ઇશાબેન રાણાભાઇ ભમ્મર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની મૃતક બહેન સેજલના લગ્ન પંદર વર્ષ પહેલા રાજુભાઈ ભમ્મર સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સાસરીમાં આરોપીઓ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જે ત્રાસના લીધે છેલ્લા છએક વર્ષથી તેઓ પોતાના પિયરે રિસામણે રહેતા હતા અને છેલ્લા બે વર્ષથી પતિ ભરણપોષણ આપતો નહોતો તેમજ તેમની દીકરી લઈ જવાનું કહેતો હતો. આ ઉપરાંત પતિએ અન્ય સાથે મૈત્રી કરાર પણ કરી લીધા હતા. આરોપીઓએ તેમની બહેનને શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપી મરવા મજબૂર કરી હતી. આરોપીઓના માનસિક ત્રાસથી તેમની બહેને ઝેરી દવાનો પાવડર પી લેતા, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. બી. ઔસુરા વધુ તપાસ કરી રહ્યા છે.