અમરેલીમાં લગ્નની ખોટી લાલચ આપી મહિલા સાથે શારીરિક શોષણ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે પીડિત મહિલાએ પતિ-પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. ૪૨ વર્ષીય મહિલાએ અમરેલીમાં જ રહેતા પ્રકાશભાઇ ચંદ્રશંકરભાઇ જોષી તથા માધવીબેન જોષી સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદ અનુસાર, આરોપી પ્રકાશભાઈએ પીડિત મહિલા સાથે મિત્રતા કેળવી હતી. પ્રકાશે પોતાની પત્ની સાથે મનમેળ ન હોવાનું બહાનું બતાવીને પીડિતા સાથે લગ્ન કરી લેવાની ખાતરી આપી હતી. લગ્નના આ વાયદા હેઠળ પ્રકાશે છેલ્લા સવા વર્ષથી પીડિત મહિલાની મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી પ્રકાશે પીડિતાના રહેણાંક મકાને, દીવની હોટલમાં તેમજ પોતાની ફોર વ્હીલ ગાડીમાં અલગ-અલગ જગ્યાએ લઈ જઈને પીડિતાનું શારીરિક શોષણ કર્યું હતું.ફરિયાદમાં જણાવ્યા મુજબ, પ્રકાશે પીડિતા સાથે ગાળાગાળી કરી, મારપીટ કરી હતી અને જો તે વિરોધ કરે તો પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની તેમજ એસિડ નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી. આ ઉપરાંત, પ્રકાશે પીડિત મહિલા પાસેથી હાથ ઉછીના રૂ. ૧,૦૦,૦૦૦ લીધા હતા, જે બાદમાં પરત ન આપીને છેતરપિંડી કરી હતી. માધવીબેને પીડિતાને ફોન કરીને ધમકી આપી હતી કે જો તે આ બાબતે આગળ વધશે, તો પોતે અને તેનો દીકરો દવા પીને આત્મહત્યા કરી લેશે અને તેનું આળ તેના પર નાખીને તેને ખોટા કેસમાં ફસાવી દેશે.અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી એસ આઈ જે બી ત્રિવેદી વધુ તપાસ કરી રહ્યા છે.





































