નિશાળેથી આનંદ આવ્યોને રૂપાનો ચહેરો ધારી ધારીને જોઈ રહ્યો. રૂપાના હાથમાં પેલી ડબ્બી હતી. પણ એ ડબ્બી છુપાવવાની રૂપાએ કોશિશ કરી.પણ ત્યાં સુધીમાં આનંદની નજરમાં એ ચોરી પકડાઈ ગઈ હતી.તેની નજર આનંદ ઉપર માંડી.એ નજરમાં એક છુપું ઇજન હતું.પાસે આવવાનું! આંખનો મોઘમ ઈશારો પારખીને આનંદ નજીક આવ્યો. પૂછ્યું,”શું છે?” જવાબમાં રૂપાએ ડબ્બી બતાવી.
“અરે વાહ, ડબ્બીના રૂપરંગ જોતા તો લાગે છે કે કદાચ આ તો મોહને મોકલાવી લાગે છે.’
‘હા.’ રૂપાએ નિઃશ્વાસ નાખ્યો, ‘પણ મને…’ અને તેના ચહેરા ઉપર અણગમતા ભાવ આવ્યા.,” ..પણ મને…”પછી કહે,”રહેવા દો..આ ડબ્બીની અંદરની વસ્તુનો મને કોઈ મોહ થતો નથી ”
” કેમ?”
‘બસ એમ જ કે હું ત્યાં સુખી નહીં થાઉ, આનંદ. અત્યારથી જ મને અમંગળ એંધાણની ઘંટડીઓ વાગવા લાગી છે. આનંદ,આ સંબંધથી. હું જરાય પણ ખુશ નથી.જે છોકરીનું મન બીજામાં હોય એ બીજાને કેમ પોતાનો પુરુષ સમજી શકે? મને વિચાર આવે છે કે હું કેમ સાસરે જઈશ? કેમ સમાઈ શકીશ? આખરે મારી લાગણી, મારો પ્રેમ, મારા અરમાનની કોઈ કિંમત જ નહીં?,ના,આનંદ,હું સાસરે નહીં જાઉં,ખાલી મારું શરીર જ જશે..”રૂપાની આંખોમાં ઝળઝળીયા આવ્યા.
આનંદ મૌન રહ્યો.
રૂપાએ આનંદનો હાથ મચમચાવી નાખતાં કહ્યું,
‘તમે કંઈક બોલો તો ખરા.! તમે મારી પીડા સમજો તો ખરા..તમને મારી કાંઈ પડી જ નથી.કે મારી ભીતર અત્યારે તોફાન ઉમટ્યું છે..એ તોફાનમાં કદાચ હું ડૂબી જાઉં તોય તમે મને બચાવવા આવો તેમ નથી.અરે,ડૂબવાની વાત તો એક કોર રહી,હું કદાચ મરી જાઉં તો ય તમને ક્યાં પડી છે??”
“એવું ના બોલ,મને દુઃખ થાય છે..સી’’
“તમે દુઃખી હો એવું દેખાતું નથી.તમે મારી પીડા કે દરદ વિશે કેમ બોલતા નથી..”
‘શું બોલું? ઘણું બધું બોલવું છે રૂપા, પણ જીભ ઊપડતી નથી..”
‘ચાલો, આપણે ભાગી જઈએ! એ કમાડ પકડીને બેસી પડી. હવે તમારા વગર નહીં શકું. મારી જિંદગી… મારા સમણાં… મારું સર્વસ્વ.. તમે જ છો આનંદ… તમારા વગર હું નહીં જીવી શકું. હું કટકે કટકે મરી રહી છું.¹
‘ ગાંડી થઈ ગઈ છો?’ આનંદે નીચે ઝૂકીને તેને ઊભી કરી.તેના બંને ખભા ઉપર હાથ રાખ્યા.પોતાની આંખો રૂપાની આંખોમાં પરોવી ને વહાલ અને સમજાવટ ના સૂર થી કહ્યું,”આટલી સમજણી, આટલી શાંત. મારી રૂપા, ભાગી ભાગીને આપણે ક્યાં ભાગીને જઈશું? શું આપણાં માબાપને આપણે દગો આપવો છે? શું આપણે આપણા કુળના સંસ્કાર લજવવા છે? કેટલો બધો વિશ્વાસ હશે તારા બા – બાપુને તારી ઉપર? શું એ વિશ્વાસ આપણે કલંક બનીને મિટાવી દેવો છે??’
‘તો શું કરું? મને કંઈ સમજાતું નથી.’ કહેતાં રૂપા આનંદ ને વળગીને રોઈ પડી. આનંદ એને પંપાળતો રહ્યો. રૂપાના આંસુથી આનંદનો શર્ટ ભીનો થઈ ગયો.બે જુવાન હૈયા પોતપોતાની પીડામાં ઓગળતા હતા. અહીં કોઈ નહોતું.માત્ર એ બે જ હતા.રૂપાની પીઠ ઉપર આનંદનો હાથ ફરતો હતો અને રૂપાને શાતા વળતી હતી..!
મેળો તો જામ્યો હતો, પણ મન વગરના માનવી સાથે મેળામાં ફરવું એ કોઈ જિંદગી ક્યાં હતી? મેળામાં પહોંચીને રૂપા મોહન પાસે ઊભી રહી. ચહેરા પર લજજાને બદલે કરુણતા હતી. ખુશીને બદલે દર્દ છલકતું હતું. ભાવિ પતિના સ્પર્શથી ઝણઝણાટીને બદલે તે વેદનાથી પીડાતી હતી!
હૈયામાં ઉત્સાહ કે આનંદ નહોતો અને આવા જ ભર્યા હૈયે હજી સાસરામાં કંકુપગલાં કરવા જવાનું હતું ને બે દિવસ
રોકાવાનું પણ હતું. દિયર મફત તેડવા આવ્યો ત્યારે વેવાઈની ચિઠ્ઠી લઈને આવેલો. અંતે મને કમને રજા તો આપી પણ રાવજીભાઈથી મફતને કહ્યા વગર ન રહેવાયું,
‘ઠીક છે મફતભૈ, મોહનલાલ ભણેલા ગણેલા હુંશિયાર, નોકરી કરે, પણ મોટા ઘરની દીકરી સિવાય આપણામાં કંકુપગલાં કરવા મોકલતું નથી, પણ મોહનલાલને કે અમારી દીકરીનાં સાસુ- સસરાને ખોટું ન લાગે એટલે હું ના નહીં પાડું, પણ એક વિનંતી છે. એ બહાને આ અમારા ઘેર રહેતા આનંદભૈ તમારા ઘરે આવે? મારે દીકરો નથી, પણ દીકરાથીય વિશેષ છે.’
‘વાંધો નહીં કાકા, મને કોઈ વાંધો ન હોય. માસ્તરસાહેબ ભલેને આવે.’કહેતાં તેડીને નીકળી ગયેલો. તે સીધો મેળામાં! ત્યાં સુધીમાં મોહન આવી ગયો હતો.
સાંજ પડી. મેળો તો બે-ત્રણ દિવસ સુધી હતો, પણ આજ સાંજે સાસરિયામાં ઘરે જવાનું હોવાથી મોહને રૂપીને કહ્યું,
‘‘આપણે તો બે ય ફટફટિયામાં નીકળશું ઘરે જવા, એમ કરીએ ,મોડી રાત્રે નીકળીએ, પણ આનંદભૈ આપણા ઘરે શેમાં આવશે?’’
પડખે ઊભેલા આનંદે તરત જ વિનમ્રતાથી તેને કહ્યું,
‘‘ના, ના, મારે નહીં આવી શકાય..મારે નિશાળે રજા નથી.”
મોહને આગ્રહ કર્યો, પણ આનંદે શાંતિથી કહ્યું,
‘એવું નથી, પણ મારે સવારમાં નિશાળે જવાનું હોય.’
‘’તો બપોર પછી આવજોને.”..રૂપા ઓઢણીની વળ ચડાવતી વિનવી રહી.
‘પણ…¹ આનંદે વિચાર્યું, પછી ‘ઠીક જોઉ હવે.’ કહેતો નીકળી ગયો.રૂપા તેને જતા જોઈ રહી.બીજે દિવસે આનંદ મેળામાં આવ્યો. મોહન દર્શન ફરવા ગયો હતો. આનંદ રૂપાને તાકી રહ્યો. રૂપાની આંખમાં આંસુ ટપક્યાં.આજુબાજુ નજર કરીને આનંદે ધીરેકથી કહ્યુંઃ
‘હવે બસ થાય છે હોં કે! તું રડે છે એ મને નથી ગમતું. ચલ, આ આંસુ…’ કહેતાં એણે આંખો પરથી આંસુ લૂછ્યાં એ જ વેળાએ કેમેરાની ફલેશ ઝબકી.દર્શન કરીને મોહન આવ્યો. ત્રણેય જણા બેઠા.આસપાસ પીપુડાવાળા ના, પાવાવાળા ના અવાજો આવતા હતા.તો પાથરણું પાથરીને બેઠેલા વેપારીઓનો કોલાહલ હતો.
‘એક કામ કરશો આનંદભાઈ. મારે એકવીસ હનુમાન ચાલીસાના જાપ કરવા છે. તેટલી વારમાં તો તમે અને રૂપા કંટાળી જશો. આ જગ્યા ખૂબ જ પ્રાચીન છે. તમે અને રૂપા આટલી વારમાં ટહેલો તો હું જાપ કરી લઉં.’
‘સારું. પણ બહુ વાર નહીં લગાડતા. હોં કે.’ જવાબમાં મોહન હોંકારો ભણી સામે હનુમાનજીના મંદિર તરફ ચાલ્યો.અને આ બાજુ આનંદ અને રૂપા નદી તરફ ચાલ્યા.નદીના કાંઠે આથમતા સૂરજની સાખે બંને જણ ફરતાં ફરતાં શેતલના ઊંડાં પાણીમાં પગ ઝબકોળતી રૂપા અચાનક લપસી. એના મોઢામાંથી ચીસ ફાટી ગઈ,”આનં..દ…”
પણ એ ધીંગા વહેણમાં તણાય એ પહેલાં તો આનંદે ઝીલી લીધી હતી. આ બે ભોળા પારેવડાંનો પ્રેમાલાપ અને હાથમાં હાથ નાખી નીકળેલાં ભોળાં પંખી જેવા જીવને જોઈ ખુદ પ્રકૃતિ પણ રાજી થતી હતી, પણ એની વાજોવાજ ગળામાં કેમેરા નાખીને છૂપકે છૂપકે ફરતા જયચંદના કેમેરાની અંદર કચકડાની પટ્ટીમાં બંનેનાં પ્રણય દશ્યો એક પછી એક કેદ થતાં ગયાં હતાં!
ત્રણ દિવસને બદલે ચાર પાંચ દિવસ રૂપાની સાસરીમાં આનંદ સાચેજ સાથે જ રહ્યો. અને તે હતો તો રૂપી ખુશ હતી. મોહને તેની નોંધ લીધી હતી. પણ એ કશું બોલ્યો નહોતો.ત્રીજા દિવસે સાંજે સામેથી જ મોહને કહ્યું, ‘આનંદભૈ, એક કામ કરોને હવે તમે જ જાવ છો તો પછી રૂપાને તેડતા જ જાવને. મારે ધક્કો નહીં.¹
‘અરે મોહનલાલ, એમ કાંઈ હોય? પહેલી વાર તમે સાસરીમાં આવો છો અને ફસકી જાવ તે ન ચાલે.’
‘હું પછી નિરાંતે આવીશ બસ.’
‘વચન આપો છો?’
‘હા. હા. વચન… બસ?’….અને મોહનની જ મોટરસાઈકલ પર બંને નીકળ્યા. સાંજ પડી ચૂકી હતી.ધરતી ઉપર ધીરે ધીરે અંધારું પથરાતું જતું હતું..બંને ઊપડ્‌યા.સાસરીના ગામનો સીમાડો વાયા કે રૂપાએ આનંદને કચકચાવીને પકડી લીધો.અને એની પીઠ ઉપર પોતાનું માથું ઢાળી દીધું. આનંદને ગમ્યું.એક સુહાની સફર ક્યારેય ખત્મ ના થાય એવું ચાહી રહ્યો.. ખડખડિયા કાચા રસ્તા ઉપર મોટર સાયકલ ધીમે ધીમે આગળ ધપવા લાગ્યું.ઉગમણી દૃશ્યે ચંદ્રમાં ઊગીને સમોનમો થયો હતો. ગામમાંથીયે કેટલીક મોટરસાઈકલ અને સાઈકલ લઈને મેળો માણવા ઊમટેલા લોકો આનંદની મોટરસાઈકલ ચલાવવાની સ્ટાઇલને વધાવતાં રહ્યા અને ધીરે ધીરે આનંદ મોટરસાઈકલ ચલાવતો હતો. એને વળગીને જ રૂપા ચીપકીને બેસી ગઈ હતી. ક્યારેક કોઈ રોદો કે ખાડો આવતો અને આનંદ બ્રેક મારતો કે ત્યાં જ રૂપાની ઉન્નત છાતી આનંદની પીઠ પર ચંપાઈ જતી હતી.
ઊંડી નેળ આવી. એક બાજુ ઉબડખાબડ રસ્તો અને એક બાજુ ઘાટું અંધારું..એક ઘટાટોપ ઝાડવા નીચેથી મોટર સાયકલ પસાર થયું કે ચીબરી ચિત્કારી ઊઠી.આનંદનું હૃદય જોર થી ધડકી ઊઠ્‌યું. અચાનક તેના માનસપટ પર કશીક ઊથલપાથલ મચી રહી. સિક્સ્થ સેન્સ પ્રબળ થઈ ગઈ. સાઈકલવાળા ઘણા પાછળ રહી ગયા હતા. પગપાળા ગામ નીકળતા લોકો ટૂંકી કેડીવાળા રસ્તે નીકળી ગયા હતા..આ ઊંડી નેળ. ..અંધારું અને મોટર સાયકલ ની ડીમ લાઇટ..! જાણે આકાશમાંથી અસુરોના ટોળા ઉતરી રહ્યા હોય એવી ભૂતાવળ નો ડર એ ઊંડી નેળ માં આનંદ અનુભવી રહ્યો.”રૂપા,તું સરખી બેસજે,રસ્તો અને વાતાવરણ ખૂબ ડેન્જર છે..”આનંદ બોલ્યો ન બોલ્યો ને ત્યાં જ…અચાનક એક જોરદાર પથ્થર આવ્યો. અને ધડીમ કરતો આનંદના ચહેરા ઉપર જ વીંઝાયો. આનંદ લથડયો અને મોટરસાઈકલ સ્લીપ થઈ ગઈ. અને બંને રસ્તા ઉપર જોર થી પછડાયા..એ જ વેળાએ….
(ક્રમશઃ)