“રોજ રોજ પેટ ભરીને જ હું જમુ છું. પરંતુ મારૂં ચીત ચકરાવે ચડયે જ રાખે છે. શાંતિ મેળવવા અનેક પ્રયાસ કરૂં છું. પરંતુ મને શાંતિ તે મળતી જ નથી અને બા, અમુક એવા પ્રકારનું છૂપું દુઃખ દેખાતું પણ નથી પરંતુ આવું છુપું દુઃખ માણસને અંદર અંદરથી ધીરે ધીરે કોરી ખાય છે. આવું આટલું બધું હોવા છતાં ચહેરો ખૂબ હસતો રાખી જીવતર જીવી લેવું પડે છે. આવું બધું કેમ થતું હશે….?”
“ તું તો ભણેલો છે એટલે ખબર હોવી જાઇએ કે આ સંસાર એવો જ છે. આપણી અંદરૂની અપેક્ષા કયારેય પૂરી નથી થતી, તેના લીધે ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. આવા ઉદ્વેગથી સંતાપ પેદા થાય છે. આ બધા જ સંસારની માયા છે… બેટા ! જાને હું જમવા બેસું છું ત્યારે મને આજે પણ જ્યોતિની યાદ અચૂક આવે જ છે. કેવી મજાની નમણી નમણી છોકરી આપણા આંગણે આવી તો ખરી પરંતુ એકા એક કોઇ ભયંકર વાવાઝોડું આવતાની સાથે ઓચિંતી જ ચાલી ગઇ…, દૂર દૂર ચાલી ગઇ…!”
“બા, તમારી વાત સાચી છે. અમુક વ્યક્તિનું આગમન જિંદગીનું નસીબ બદલી નાખતું હોય છે અને તેના ચલ્યા જવાથી પણ નસીબ બદલી જાય છે. વળી આવનાર વ્યક્તિનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે આપણે જિંદગીભર ભૂલી જ નથી શકતા. વારેવારે તેની યાદ સ્મૃતિપટ પર ઉપસી આવે છે. સાચું કહું બા…, હું પણ જ્યોતિને હજી ભૂલી જ નથી શકતો. પણ શું થાય ?
“આ બધી જ માયા છે બેટા, જિંદગી તે આજું નામ… ને જિંદગી તો આવી જ હોય. તને યાદ નહીં હોય પણ મને તો બધું જ યાદ છે, વાત કરૂં…?”
“મને તમારી વાત સાંભળવી ખૂબ જ ગમે, કહો…” દામાએ તરત જ કહ્યું.
“ત્યારે એ સમયે તું નાનો હતો. આ તારા નાનપણની વાત છે…” બાએ વાત કરવાની શરૂઆત કરી
“તું જોર જોરથી રડતો હતો ને તારા બાપુ તને છાનો રાખતા હતા. તારું રડવાનું કારણ તેં એવું કર્યું હતું કે મને માટીનું રમકડું બનાવી આપો. એટલે તારા બાપુ વાડીએથી કાળી માટી લઈ આવ્યા, એમાં ચૂલાની થોડી રાખ મેળવી, પછી પાણી નાખી ચીકણો ગારો ખૂબ ખૂબ મસળ્યો. પછી મેં અને તારા બાપુએ સાથે મળીને માંડ માંડ રમકડું બનાવ્યું. તને યાદ ન હોય એ ગારામાંથી મેં સરસ મજાની ઢીંગલી બનાવી હતી, અને એ ઢીંગલી તને પણ ખૂબ જ ગમી. આખો દિવસ તું એ ઢીંગલી પાસે બેસી રહેતો, એકધારો એને જોતો રહેતો. પરંતુ સમય જતાં માટી સુકાઈ જવાથી વળી એ ઢીંગલી કડક થઈ ગઈ, બરડ થઈ ગઈ. ને એક દિવસ તેં એ ઢીંગલીને જેવી તારા હાથમાં લીધી ને તું ત્યારે એટલો બધો ખુશ હતો… એ દશ્ય આજે પણ મારી નજરે તરવરે છે. ને પછી, અચાનક તારા હાથમાંથી એ ઢીંગલી વેંત છેટેથી નીચે પડી. નીચે પડતાની સાથે તો ઢીંગલીના ચાર-પાંચ ટુકડા થઈ ગયા. પછી એ તૂટેલી ઢીંગલીના ટુકડાઓને જોઈ જોઈ તું એટલો બધો રડ્‌યો હતો કે તેની કોઈ સીમા જ નહીં. ત્યારે એ સમયે તારા બાપુએ તને છાનો રાખતાં રાખતાં મને સરસ મજાનું એક વાક્ય કહેલું ઃ ‘રાખનાં રમકડાંને તૂટતાં જરાય વાર ન લાગે, જરા અમથી ઠોકરથી તે તૂટી જ થાય…’”
“બેટા, આ સંસારી માનવજાતની જિંદગી પણ રાખનાં રમકડાં જેવી જ છે. તે ક્યારે તૂટી જાય તેનું કંઈ નક્કી નહીં. જોને હવે મારું શરીર પણ પહેલાં જેવું નથી રહ્યું. અંદર અંદર કંઈક થઈ રહ્યું છે. શું થાય છે તેની ખુદ મને પણ ખબર પડતી નથી. છાતીના ધબકારા ક્યારેક અતિવેગે વધી જાય છે, પરસેવે રેબઝેબ થઈ જાઉં છું. તો પણ ઠાકોરજીને યાદ કરી કરી આંખો મીંચીને પડી રહું છું. જો કે મારી ઉંમર પણ ઘણી થઈ છે, એટલે આવું બધું થતું હશે એમ મને લાગે છે…” બા એ આવું કહ્યું.
“બા…, આ દુનિયા… આ સમાજ એવો છે કે, હવે કોઈને કોઈની ચિંતા કરવા જેવું રહ્યું જ નથી. પ્રપંચોથી છલકાતી સંબંધોની રમતમાં કોણ કોણ કઈ રમત રમી જાય તેનું પણ નક્કી નથી. તો પછી આવી ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. હવે તો આપણા ચિત્તને શાંતિ મળે એ માટે તો બસ પ્રભુ ભજન જ શ્રેષ્ઠ છે. રામ નામ જ મને ને તમને તારશે, એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી રહ્યો નથી.” દામો આવી વાત કરી અટક્યો, એટલે તરત જ બા બોલ્યા:
“તારી વાત તો સાવ સાચી છે, દીકરા ! મોહ અને માયાનું કવચ તોડવું ખૂબ જ અઘરું છે. આ કવચ તોડવા માટેનો શ્રેષ્ઠ મંત્ર એટલે પ્રભુ ભજન અને સત્સંગ…!” (ક્રમશઃ)