વાંકિયા ગામે કડિયા કામ કરી રહેલા એક શ્રમિક માટે ગુરુવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. બાંધકામ દરમિયાન અચાનક દીવાલનો એક ભાગ ધરાશાયી થઈ શ્રમિક પર પડતા, ગંભીર ઈજાઓના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું.બાલુભાઈ પુનાભાઈ જુવાદરિયા (ઉં.વ. ૭૧) એ જાહેર કર્યા મુજબ, ધનજીભાઇ પુનાભાઇ જુવાદરીયા (ઉં.વ.૬૦) જ્યારે કડિયા કામ કરી રહ્યા હતા, તે સમયે અચાનક જ દીવાલનો એક હિસ્સો ધરાશાયી થયો હતો અને તેઓ તેની નીચે દબાઈ ગયા હતા. દીવાલ શરીર પર પડતા તેમના ડાબા પગના સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે પુષ્કળ લોહી વહી ગયું હતું. આ ઉપરાંત, તેમના જમણા પગમાં પણ ગંભીર ફ્રેક્ચર થયું હતું.ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્‌યા હતા. જોકે, વધુ પડતું લોહી વહી જવાને કારણે અને શરીરે ગંભીર ઈજાઓ હોવાથી ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.