રાજ્યમાં ભ્રષ્ટાચારને ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના જાટાણા તાલુકાના હરસુંડલ ગ્રામ પંચાયતમાં પિતાના અવસાન બાદ વારસાઇ જમીનમાં નામ દાખલ કરાવવાના સરકારી કામ માટે એક જાગૃત નાગરિક પાસેથી લાંચની માંગણી કરનાર તલાટી કમ મંત્રી અને વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (વીસીઇ)એસીબીના છટકામાં ઝડપાઇ ગયા છે.
મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના એક જાગૃત નાગરિકના પિતાનું તાજેતરમાં અવસાન થયું હતું. પિતાની હયાતી બાદ તેમની વડીલોપાર્જિત જમીનમાં ફરિયાદી તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોના નામ વારસદાર તરીકે સરકારી રેકોર્ડ (ખાતામાં) દાખલ કરાવવાના હતા. આ કામ માટે ફરિયાદી જાટાણા તાલુકાના હરસુંડલ ગ્રામ પંચાયત કચેરીમાં ગયા હતા. ત્યાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી (વર્ગ-૩) વિવેકભાઇ કિરીટભાઇ ચૌધરી અને વીસીઇ વિશાલકુમાર સેંધાજી ઠાકોરે આ કામ કરી આપવાના અવેજ પેટે લાંચની માંગણી કરી હતી.
સરકારી નિયમો મુજબ જે કામ વિનામૂલ્યે કે નજીવી ફી સાથે થવું જાઈએ, તે કામ માટે આ બંને કર્મચારીઓએ એક ખાતા દીઠ રૂપિયા ૪,૦૦૦ની લાંચ માંગી હતી. ફરિયાદીને કુલ ત્રણ ખાતામાં વારસદારોના નામ દાખલ કરાવવાના હોવાથી, આરોપીઓએ કુલ રૂપિયા ૧૨,૦૦૦ની માંગણી કરી હતી. પરંતુ, ફરિયાદી લાંચ આપીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માંગતા ન હતા. તેઓ આ ભ્રષ્ટ કર્મચારીઓને કાયદાનો પાઠ ભણાવવા માંગતા હતા, આથી તેમણે વિલંબ કર્યા વિના મહેસાણા એ.સી.બી.નો સંપર્ક સાધ્યો હતો.
છઝ્રમ્ મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ચાવડાએ ફરિયાદીની રજૂઆત સાંભળીને તરત જ ફરિયાદ નોંધી હતી અને લાંચિયા બાબુઓને રંગેહાથ પકડવા માટે છટકાનું આયોજન કર્યું હતું. ગઈકાલે તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ હરસુંડલ ગ્રામ પંચાયત કચેરીમાં જ છઝ્રમ્ની ટીમ ગુપ્ત રીતે ગોઠવાઈ ગઈ હતી. પૂર્વ આયોજન મુજબ ફરિયાદી પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને આરોપીઓ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન લાંચની રકમ બાબતે થોડી રકઝક થઈ હતી અને અંતે રૂપિયા ૧૦,૦૦૦માં સોદો નક્કી થયો હતો.
આ રકઝકના અંતે આરોપી નંબર ૨ ( વીસીઇ વિશાલકુમાર ઠાકોર)એ ફરિયાદી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી. આ જ સમયે આસપાસમાં વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને લાંચના નાણાં સાથે બંને આરોપીઓને સ્થળ પર જ રંગેહાથ દબોચી લીધા હતા.એસીબીએ લાંચમાં લેવાયેલા ૧૦,૦૦૦ રૂપિયા પણ સ્થળ પરથી રિકવર કરી લીધા છે.
હાલમાં એસીબી દ્વારા બંને આરોપીઓની અટકાયત કરીને તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, આ બંને આરોપીઓએ અગાઉ પણ કેટલા ખેડૂતો અને લોકો પાસેથી આ પ્રકારે લાંચ લીધી છે અને તેમની પાસે કોઈ આવક કરતા વધુ બેનામી સંપત્તિ છે કે કેમ, તે દિશામાં પણ ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.










































