૨૫૦૦ કરોડના સાયબર ફ્રોડ મામલે રાજકોટ પોલીસ દ્વારા વધુ ૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ બેંક કર્મચારી છે અને બેંકમાં એકાઉન્ટ ખોલવા તથા નાણા ઉપાડવા માટે તેઓ આરોપીઓની મદદ કરતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડમાં બેંક કર્મચારીઓની સંડોવણી અંગે વિગતો આપવામાં આવી હતી.
જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજકોટ જિલ્લામાં જે તપાસ ચાલુ છે તેમાં પહેલાથી ૧૫૦૦ કરોડનું ટ્રાન્ઝેક્શન આ તમામ એકાઉન્ટમાં ટ્રેસ કરેલું હતું અને આમાં અમુક આરોપીની અટકાયત કરીને જ્યુડિશિયલ કસ્ટડી મોકલાયા છે. તપાસ દરમિયાન ૩ આરોપીઓની આજે અટકાયત કરવામાં આવી છે. જેમાં પહેલો આરોપી મૌલિક કમાણી છે, આ ખાનગી બેંકમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી પર્સનલ બેંકર તરીકે કામ કરે છે. મૌલિકે પોતાના મેનેજર સાથે મળીને અન્ય માણસોના નામથી પેઢીના એકાઉન્ટ તૈયાર કરવાના, આમાં જે વ્યક્તિના નામનું એકાઉન્ટ ખોલાઈ રહ્યું છે એની જગ્યાએ બીજા વ્યક્તિને સહી કરવાની, પછી આ એકાઉન્ટને ઓપન કરવાના,એપીએમસી દસ્તાવેજ લેવાના જેવા કામો કરતો. આ એકાઉન્ટમાં કંઈપણ નાની-મોટી સમસ્યા આવે તો એને દૂર કરવા માટે પોતાના મેનેજર સાથે મળીને પ્રયાસ કરતો. આ મૌલિક કમાણી એનાથી પણ એક પગલું આગળ જઈને જ્યારે પૈસા ઉપાડવાના અને આંગડિયા કરવાના હોય તો એ કામ પણ પોતે આ ચીટર્સ માટે કરતો હતો. તેની હાલ અટકાયત કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બીજી અટકાયત કલ્પેશ ડાંગરિયાની છે, એ હાલ જામનગરમાં ખાનગી બેંકમાં બ્રાન્ચ મેનેજર છે. અહીંથી પહેલા તે જસાપુર, જામકંડોરણાની ખાનગી બેંકમાં, આ પછી મોડિયા-પડધરીની ખાનગી બેંકની બ્રાન્ચમાં મેનેજર હતો. કલ્પેશ ડાંગરિયાની આ કેસમાં મુખ્ય વોન્ટેડ આરોપી યાજ્ઞિક ઉર્ફે લાલા સાથે મુલાકાત થઈ હતી. લાલાએ તેની મુલાકાત ઋષિત રાયાણી સાથે કરાવી, આ લોકો નવી પેઢીના એકાઉન્ટ ખોલતા ત્યારે બીજા સ્ટાફને ત્યાં મોકલીને સહી કઈ રીતે કરવાની, કઈ રીતે સિસ્ટમેટિક વિરિફિકેશનને બાયપાસ કરવાનું તેમાં મદદ કરતા. બેંકિંગ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શનની અમુક મર્યાદા હોય છે, આ મર્યાદાને બાયપાસ કરવા માટે એપીએમસી માર્કેટ છે તેનો વન-ટાઈમ લેટર મળે છે. આ સલાહ કલ્પેશે ચીટર્સને આપી હતી. જે બ્રાન્ચમાં પૈસા કેશમાં ઉપલબ્ધ હોય તે માટે પણ તેમને રિફર કરતા હતા કે અમારી બ્રાન્ચમાં પૈસા નથી તો આ બ્રાન્ચમાં તમારા માણસને ચેક લઈને મોકલો.
પોલીસ વડાએ કહ્યું, ત્રીજા અટકાયત કરાયેલ વ્યક્તિ છે અનુરાગ બાલધા છે. જે હાલ ખાનગી બેંકમાં કામ કરે છે. પહેલા તે અન્ય ખાનગી બેંકમાં પર્સનલ બેંકર તરીકે કામ કરતો હતો. અનુરાગ બાલધાએ ઋષિત રાયાણીની સામે બેસીને ગોંડલમાં ફોર્મ ભરવામાં આવ્યું. આ ફોર્મ નરેન્દ્ર નામના વ્યક્તિનું એકાઉન્ટ ખોલવા માટે ભરાયું. તેની જગ્યાએ ઋષિતે સહી કરી હતી. આ જાણવા છતાં અનુરાગે તેનું વેરિફિકેશન કરીને બ્રાન્ચમાં આપ્યું અને મેનેજરે વેરિફિકેશન બાદ એકાઉન્ટ ખોલી આપ્યું હતું.
તેમણે કહ્યું, હાલ સુધીમાં આ કેસમાં આ ૩ સહિત ૨૦ લોકોની અટકાયત થઈ ગઈ છે. તમામ કસ્ટડીમાં છે અને કોઈને જામીન મળ્યા નથી અને કુલ ૮૫ જેટલા બેંક એકાઉન્ટ મળ્યા છે, જેના પર ૧૯૩૦ની ૫૩૫ જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ૭૪ કરોડ જેટલી રકમ જે ખરેખર સાયબર ફ્રોડની રકમ છે, આ બેંક એકાઉન્ટમાં કુલ ટ્રાન્ઝેક્શન ૨૫૦૦ કરોડથી વધારેનું છે. આ કેસમાં એક્સપર્ટની સલાહ માટે એક સીએને પણ રાખ્યા છે.