ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ કહ્યું છે કે લેબનોનમાં હુમલામાં ઘાયલ થયેલા એક ફ્રેન્ચ શાંતિ રક્ષકનું મૃત્યુ થયું છે. રાષ્ટ્રપતિ મેક્રોને પુષ્ટિ આપી છે કે તેમણે હુમલા માટે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહને દોષી ઠેરવ્યો છે. તેમણે લેબનોન સરકારને ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી છે. આ ઘટના ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુએસ-મધ્યસ્થી ૧૦-દિવસના યુદ્ધવિરામના બીજા દિવસે જ બની હતી, જેનાથી આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે.
રાષ્ટ્રપતિ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, “દક્ષિણ લેબનોનમાં એક હુમલા દરમિયાન મોન્ટાઉબાનના ૧૭મી પેરાશૂટ એન્જીનિયર રેજિમેન્ટના ચીફ સાર્જન્ટ ફ્લોરિયન મોન્ટોરિયો શહીદ થયા. તેમના ત્રણ સાથીઓ ઘાયલ થયા હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે.” મેક્રોને વધુમાં કહ્યું, “બધા સંકેતો હિઝબુલ્લાહને આ હુમલા માટે જવાબદાર ગણાવે છે. ફ્રાન્સ લેબનીઝ સરકારને ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરવા અને તેમની જવાબદારીઓ પૂર્ણ કરવા હાકલ કરે છે.”
લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના અંતરિમ દળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શાંતિ રક્ષકો ઘંડૌરિયા ગામ નજીકના રસ્તા પરથી વિસ્ફોટકો સાફ કરવા અને તેમના અલગ સ્થાનો સાથે સંપર્ક પુનઃસ્થાપિત કરવાના મિશન પર હતા ત્યારે તેમને નાના હથિયારોથી ગોળીબારનો સામનો કરવો પડ્યો. હુમલામાં એક શાંતિ રક્ષકનું મોત નીપજ્યું, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. યુએન મિશનએ કહ્યું કે આ હુમલો યુદ્ધ ગુનો બની શકે છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
ફ્રેન્ચ સંરક્ષણ મંત્રાલયે પણ પુષ્ટિ કરી કે હુમલો ઘંડૌરિયા વિસ્તારમાં થયો હતો. તાજેતરના ઇઝરાયલી હુમલાઓમાં ઘણા પુલ અને કનેકટિંગ રસ્તાઓને નુકસાન થયું હોવાથી સૈનિકો રસ્તા સાફ કરવાની કામગીરીમાં હતા. ફ્રેન્ચ સૈનિકો યુએનઆઇએફઆઇએલમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને દક્ષિણ લેબનોનમાં શાંતિ જાળવવા માટે તૈનાત છે. હિઝબુલ્લાહે આ આરોપોને નકારી કાઢ્યા છે. જૂથે કહ્યું કે તેનો હુમલા સાથે કોઈ સંબંધ નથી અને ફ્રેન્ચ આરોપો પાયાવિહોણા છે.










































