અમરેલી શહેરના એક વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા વેપારી પર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. એક્ટિવા વ્યવસ્થિત ચલાવવાનું કહેવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે સિરાજભાઇ મેહબુબભાઇ કુરેશી (ઉ.વ.૪૦) એ દાદલીમીયા રફીકમીયા સૈયદ, ઇરફાનભાઇ રફીકભાઇ સૈયદ તથા અજુમીયા રફીકમીયા સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી પોતાની ‘ડીલક્સ પાન’ નામની દુકાન પર બેઠા હતા, તે સમયે આરોપી દાદલીમીયા સૈયદ પોતાની એક્ટિવા લઈને ત્યાં આવ્યો હતો અને બેદરકારીપૂર્વક ગાડી ચલાવી દુકાન સાથે અથડાવી હતી. આથી વેપારીએ તેને “ગાડી સરખી ચલાવ” તેમ કહી ઠપકો આપ્યો હતો. આ બાબત આરોપીને પસંદ ન આવતા તેણે ઉશ્કેરાઈને ગાળો બોલી ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો. આ દરમિયાન પાછળથી અન્ય બે શખ્સો ધસી આવ્યા હતા અને ફરિયાદીને પકડી રાખ્યા હતા. મુખ્ય આરોપીએ પોતાની એક્ટિવામાંથી છરી કાઢી વેપારીને ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ભરબજારમાં થયેલા આ હુમલા બાદ ત્રણેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા.










































