ભાજપે દિલ્હીમાં આગામી મેયર પદ માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પરવેશ વાહીને મેયર પદ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, જ્યારે મોનિકા પંતને ડેપ્યુટી મેયર પદ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિ માટે ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે. પરવેશ વાહી રોહિણી ઈ વોર્ડ નંબર ૫૩ ના કાઉન્સિલર છે. જ્યારે મોનિકા પંત આનંદ વિહારના વોર્ડ નંબર ૨૦૬ ના કાઉન્સિલર છે.
સ્થાયી સમિતિ સભ્ય અને ગૃહના નેતા પદ માટે જય ભગવાન યાદવને સર્વસંમતિથી નામાંકિત કરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિ સભ્ય માટે મનીષ ચઢ્ઢાની જાહેરાત કરવામાં આવી છે. જય ભગવાન બેગમપુરના કાઉન્સિલરછે, જ્યારે મનીષ પહાડગંજના કાઉન્સિલરછે. આ બધા ઉમેદવારો આજે તેમના નામાંકન દાખલ કરશે. આજે નામાંકન દાખલ કરવાનો છેલ્લો દિવસ છે.
ભાજપના બધા ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તે લગભગ નિશ્ચિત છે. આમ આદમી પાર્ટી (આપે) એ બુધવારે જાહેરાત કરી હતી કે તે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરની ચૂંટણીમાં ભાગ લેશે નહીં. પાર્ટીએ જણાવ્યું હતું કે આ પગલું ભારતીય જનતા પાર્ટીને દિલ્હી પર શાસન કરવાની “બીજી તક” આપવા અને સંપૂર્ણપણે જવાબદાર બનવા માટે હતું.
દિલ્હી આપ પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું કે પાર્ટી વિપક્ષમાં બેસીને ભાજપના “ચાર એન્જિન” શાસન મોડેલનો પર્દાફાશ કરશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આપે ગયા વર્ષે પણ આવો જ નિર્ણય લીધો હતો જેથી ભાજપ નાગરિક સમસ્યાઓ માટે બીજા કોઈને દોષી ઠેરવી ન શકે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર, ઉપરાજ્યપાલ કાર્યાલય અને એમસીડી સહિત અનેક વહીવટી અંગોને નિયંત્રિત કરવા છતાં, ભાજપ દિલ્હીની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ ગઈ છે.
આપ નેતાએ આરોપ લગાવ્યો કે જાહેર બાંધકામ વિભાગ, પૂર નિયંત્રણ વિભાગ અને એમસીડી સહિત અનેક વિભાગોમાં નાગરિક સમસ્યાઓ યથાવત છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે, આ બધા વિભાગોમાં વ્યાપક નિષ્ફળતા જાવા મળી હતી.










































