જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન, ઇમરાન ખાન પછી, તેમની પત્ની બુશરા બીબીને પણ આંખની સમસ્યા હોવાનું નિદાન થયું છે. જમણી આંખમાં દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ બાદ તેણીએ સર્જરી કરાવી હતી. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુશરા બીબીએ જમણી આંખમાં દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ કરી હતી. આ પછી, જેલ વહીવટીતંત્રે તાત્કાલિક તેણીની તપાસ કરાવી. તપાસમાં તેણીની જમણી આંખમાં રેટિના ડિટેચમેન્ટ હોવાનું બહાર આવ્યું, જેના પછી ડોકટરોએ સર્જરીની ભલામણ કરી.
તેણીને રાવલપિંડીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેણીની તબીબી તપાસ કરવામાં આવી. ત્યારબાદ તેણીએ ઓપરેશન માટે સંમતિ આપી. આ સર્જરી રાવલપિંડીની અલ શિફા આંખ હોસ્પિટલના પ્રખ્યાત રેટિના નિષ્ણાત ડો. નદીમ કુરેશી દ્વારા કરવામાં આવી. અધિકારીઓના નિવેદન અનુસાર, “સર્જરી પછી, દર્દીને એક રાત માટે હોસ્પિટલમાં રાખવામાં આવી હતી અને ત્યારબાદ તેને રજા આપવામાં આવી હતી.” ત્યારબાદ તેણીને અદિયાલા જેલમાં પરત મોકલી દેવામાં આવી. ડોકટરોની સલાહ મુજબ વધુ મૂલ્યાંકન અને ફોલો-અપ કરવામાં આવશે.
બુશરા બીબી પાકિસ્તાનના રાવલપિંડીની અદિયાલા જેલમાં ૭ વર્ષની જેલની સજા ભોગવી રહી છે. તેણીને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવી હતી. દોષિત જાહેર થયા બાદ ઇમરાન ખાન પણ આ જ કેસમાં જેલમાં છે. ઇમરાન ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે બુશરા બીબી પોસ્ટરિયર વિટ્રીયસ ડિટેચમેન્ટ, તેમજ માયોપિયા અને એસ્ટીગ્મેટિઝમથી પીડાય છે, અને આ સ્થિતિઓ “ગંભીર ચિંતાનો વિષય” છે. પીટીઆઈના વડા ગૌહર અલી ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું છે કે તેમને માહિતી મળી છે કે બુશરા બીબીને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને તેમની સારવાર વિશે અપડેટ કરવામાં આવશે.
ગૌહર અલી ખાને એમ પણ કહ્યું હતું કે બુશરા બીબીના પરિવારને તેમને મળવાની મંજૂરી આપવી જાઈએ, અને ઇમરાન ખાનને પણ આંખની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા જાઈએ અને તેમના પરિવારને મળવાની મંજૂરી આપવી જાઈએ. તેમણે લખ્યું છે કે, “આ જેટલું વહેલું થાય તેટલું સારું. કાયદા હેઠળ આ તેમનો મૂળભૂત અધિકાર છે. તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ છે, અને આ કારણે દરેક પાકિસ્તાની તેમના વિશે ચિંતિત છે.”
નોંધનીય છે કે જાન્યુઆરીમાં, ૭૩ વર્ષીય ઇમરાન ખાનને દૃષ્ટિ નબળી પડવાની ફરિયાદ બાદ ઇસ્લામાબાદ સ્થિત પાકિસ્તાન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં, તેમની એક આંખની સારવાર માટે કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવી હતી, જે એક મહિના પછી પુનરાવર્તિત કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૨૩માં ધરપકડ થયા પછી ઇમરાન ખાન જેલમાં છે.