રાજુલા શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન પરશુરામજીની જયંતિની સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગાયત્રી મંદિર તળાવ કાંઠેથી એક વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શહેરના મુખ્ય માર્ગો, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ ચોક અને માર્કેટિંગ યાર્ડ થઈ ભરતનગર કોમ્યુનિટી હોલ ખાતે સંપન્ન થઈ હતી.શોભાયાત્રા દરમિયાન ભૂદેવોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્ગો પર માતાઓ-બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે ‘હર હર મહાદેવ’ અને ‘જય પરશુરામ’ના નાદથી શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. આ પ્રસંગે શહેરના વેપારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રાના સમાપન બાદ ભગવાનની મહાઆરતી અને ત્યારબાદ બ્રહ્મચોર્યાસી (મહાપ્રસાદ)નું ભવ્ય આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રુપ અને બ્રહ્મસમાજના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.









































