ચૂંટણી પરિણામો પહેલા કેરળમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે, પરંતુ આ વખતે સ્પર્ધા ફક્ત વિપક્ષ અને શાસક ગઠબંધન વચ્ચે જ નહીં, પણ કોંગ્રેસની અંદર પણ છે. મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફમાં આંતરિક ઝઘડાએ પાર્ટીની મુશ્કેલીઓ વધારી દીધી છે. ૯ એપ્રિલે રાજ્યમાં મતદાન થયું હતું અને હવે ૪ મેના રોજ પરિણામોની રાહ જાવાઈ રહી છે. લગભગ ૧૦ વર્ષ પછી સત્તામાં પાછા ફરવાની આશા રાખતા યુડીએફ કેમ્પમાં ઉત્સાહ છે, પરંતુ નેતૃત્વ અંગેની ચર્ચાએ અસ્વસ્થ વાતાવરણ ઊભું કર્યું છે.
કેરળના રાજકારણમાં લાંબા સમયથી દરેક ચૂંટણી પછી સત્તા બદલવાની પરંપરા રહી છે. જા કે, ૨૦૨૧માં, સીપીઆઈ(એમ)ના નેતૃત્વ હેઠળના ડાબેરી લોકશાહી મોરચાએ ફરીથી સરકાર બનાવીને આ પરંપરા તોડી નાખી. પરિણામે, આ ચૂંટણી કોંગ્રેસ અને યુડીએફ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ દરમિયાન, મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે કોંગ્રેસમાં ખુલ્લા દાવાઓ ઉભરવા લાગ્યા છે. વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલા, વિપક્ષના નેતા વી.ડી. સતીસન અને સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલના સમર્થકો જાહેરમાં તેમના સંબંધિત નેતાઓને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે.
ચૂંટણી પરિણામો આવે તે પહેલાં જ આ ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેનાથી પાર્ટી નેતૃત્વ અસ્વસ્થ સ્થિતિમાં મુકાઈ ગયું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આવી ખુલ્લી વાણી-વર્તન મતદારોને ખોટો સંદેશ આપી શકે છે. વરિષ્ઠ મીડિયા વિવેચક એમ.એન. કરસેરીએ તેને શરમજનક ગણાવ્યું, કહ્યું કે સત્તા પ્રાપ્ત કરતા પહેલા સત્તા માટે લડાઈ જનતાના વિશ્વાસને નબળી પાડી શકે છે.
આ વિવાદ સાથી પક્ષોને પણ અસર કરી રહ્યો છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા અને ધારાસભ્ય પી. અબ્દુલ હમીદે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે મુખ્યમંત્રી પદ વિશે આવી ચર્ચા જાહેર ન થવી જાઈતી હતી. તેમણે કહ્યું કે આનાથી યુડીએફ સમર્થકો અને વિપક્ષમાં લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા પાયાના કાર્યકરોનું મનોબળ તૂટી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે જે નેતાઓએ આ ચર્ચા બંધ કરવી જાઈતી હતી તેઓ જ તેને વેગ આપી રહ્યા છે. જાકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાર્ટી હાઇકમાન્ડ જે પણ નિર્ણય લેશે, દરેક તેને સ્વીકારશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કેરળના રાજકારણને સારી રીતે સમજે છે અને અંતિમ નિર્ણય કાળજીપૂર્વક વિચારણા પછી લેવામાં આવશે.
બીજી તરફ, ડાબેરી પક્ષોએ સમગ્ર વિવાદ પર મૌન જાળવી રાખ્યું છે અને એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી વિપરીત, કોંગ્રેસ પક્ષમાં ફરી ઉભરી રહેલા જૂથવાદે તેના કાર્યકરો અને સાથી પક્ષોમાં અસ્વસ્થતા વધારી છે. પરિણામે, ચૂંટણી પરિણામો પહેલાં યુડીએફ સામેનો સૌથી મોટો પડકાર સત્તા સંઘર્ષ નહીં, પરંતુ આંતરિક સંઘર્ષ હોવાનું જણાય છે.










































