​​વહેલી સવારના સાડા ચાર થયા હશે. આકાશમાંથી સીધા ધરતી પર ઉતરીને, સફેદ વાદળો જેવી રુંવાટી ફફડાવતા બૂબૂડાનાથ મારા પલંગ પાસે પ્રગટ થયા. એમણે પ્રેમથી પંજો મારીને મને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ મેં લાલચોળ આંખો સાથે સીધા બેઠા થઈને કહ્યું, ‘મહારાજ, જગાડવાની તકલીફ ન લો, હું હજી સુતો જ નથી!’
​બૂબૂડાનાથ આશ્ચર્યથી મને જોઈ રહ્યા. મેં મારી વ્યથા ઠાલવી, ‘મહારાજ, રાત્રે અગિયાર વાગ્યે મારા એક પરમ મિત્રએ ગ્રુપમાં ચાર મેસેજ મૂકીને ઉડાડી દીધા છે! આ ‘This message was deleted’ લખેલી ચાર કાળી પટ્ટીઓ મારા હૃદય પર શિલાલેખની જેમ કોતરાઈ ગઈ છે. આખી રાત એ જ વિચારમાં ગઈ છે કે એણે એવી તે કઈ મૂર્ખામી કરી હશે જે એને છુપાવવી પડી? શું એણે પોતાની પત્નીના કોઈ રહસ્યો ખોલી નાખ્યા હશે? કે પછી બોસ વિશે કોઈ સત્ય કહી દીધું હશે? જ્યાં સુધી એ ચાર મેસેજ વંચાય નહીં, ત્યાં સુધી મને મોક્ષ મળવો અશક્ય છે!’
​બૂબૂડાનાથે એક ગંભીર સ્મિત આપ્યું અને બોલ્યા, ‘હે વત્સ, તારી આ જિજ્ઞાસા એ માત્ર તારી નથી, સમગ્ર માનવજાતની છે. મનુષ્યને ભગવાનના દર્શન કરવાની એટલી તાલાવેલી નથી હોતી, જેટલી કોઈએ ડીલીટ કરેલો મેસેજ જોવાની હોય છે. આ જ તો ‘ડિજિટલ રહસ્યવાદ’ છે!’
​મેં કરગરીને કહ્યું, ‘પ્રભુ, કોઈ જાદુઈ યંત્ર આપો, કોઈ મંત્ર આપો! મારે જાણવું છે કે એણે શું ભૂંસી નાખ્યું!’
​બૂબૂડાનાથે પૂંછડી પટપટાવતા બ્રહ્મજ્ઞાન આપવાનું શરૂ કર્યુંઃ ‘જો વત્સ, તારા એન્ડ્રોઈડના ડબલામાં જ એક ‘નોટિફિકેશન હિસ્ટ્રી’ નામનું ગુપ્ત દ્વાર છુપાયેલું છે. ત્યાં જઈને તું જૂના મેસેજની કુંડળી કાઢી શકે છે. પણ યાદ રાખજે, આ જ્ઞાન અર્જુનને આપેલા ગીતાના જ્ઞાન જેવું પવિત્ર છે. એકવાર તું એ ડીલીટ થયેલો મેસેજ વાંચી લઈશ, પછી તારા એ મિત્ર પ્રત્યેનો તારો આદર કદાચ કાયમ માટે ડીલીટ થઈ જશે!’
​તેમણે આગળ સમજાવ્યું, ‘બીજો રસ્તો પેલી ‘થર્ડ પાર્ટી એપ્સ’નો છે. આ એપ્સ એટલે જાણે સોસાયટીની પેલી પંચાતિયા માજીઓ! જેવો મેસેજ આવે કે તરત જ પકડી લે અને પેલા ભાઈ ડીલીટ કરે તો પણ આ માજીઓ (એપ્સ) પાસે તો રેકોર્ડ રહે જ! પણ ધ્યાન રાખજે, આ માજીઓ તારા ઘરની એટલે કે તારા ફોનની બધી જ ખાનગી વાતો પણ જાણી લેશે.’
​બૂબૂડાનાથે અટ્ટહાસ્ય કરતા ઉમેર્યું, ‘પણ સાંભળ, જે મેસેજ ડીલીટ થયો છે, એમાં કદાચ તેની ‘ટાઈપો’ની મૂર્ખામી હશે અથવા તો અર્ધરાત્રે જાગેલા કોઈ ભાવિ વિવાદનો ડર હશે. તારી ઊંઘ બગાડવા કરતા એવું માની લે કે એ મેસેજમાં તારા માટે કોઈ ઉધારી ચૂકવવાની વાત હશે, જે એણે છેલ્લી ઘડીએ ફેરવી તોળી છે! એટલે જિજ્ઞાસાને લગામ આપ, નહીંતર લોકો મેસેજ ડીલીટ કરતા રહેશે અને તું આખી રાત મને આમ જ જગાડતો રહીશ!’
​બૂબૂડાનાથના આ ‘ટેકનો-કીમિયા’ અને જીવનદર્શન સાંભળીને મને શાંતિ થઈ. મેં નક્કી કર્યું કે હવેથી મેસેજ ડીલીટ કરનારને શંકાની નજરે જોવાને બદલે દયાની નજરે જોઈશ કે બિચારો સત્ય બોલીને ડરી ગયો! બૂબૂડાનાથ તો આશીર્વાદ આપીને અદ્રશ્ય થઈ ગયા, પણ મારી નોટિફિકેશન હિસ્ટ્રી હવે કાયમ માટે ‘ઓન’ થઈ ગઈ છે!
naranbaraiya277@gmail.com