મોરબીના જેતપર ગામે વીજ લાઇન માટે થાંભલા ઉભા કરવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન ૧૧ દિવસથી યથાવત છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. પ્રશ્નનો ઉકેલ સંવાદથી લાવવા સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી કાયદાકીય અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂત સમિતિને રૂબરૂ ચર્ચા માટે સત્તાવાર લેખિત આમંત્રણ આપ્યું છે તેમજ હાલ પૂરતી જેતપર ખાતે વીજ થાંભલાની કામગીરી પણ સ્થગિત રાખી છે, પરંતુ આંદોલનકારી ખેડૂતોએ આ આમંત્રણ સ્વીકાર્યું નથી.
આ મામલે જિલ્લા ક્લેક્ટર સ્વપ્નિલ ખરેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની છ મુખ્ય માંગણીઓ અંગે રાજ્ય સરકાર હકારાત્મક વલણ ધરાવે છે. તેમણે ખેડૂતોને ગેરમાર્ગે ન દોરાવા અને ટેબલ પર બેસીને પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવા અપીલ કરી હતી. જોકે, આ જાહેરાત બાદ પ્રાંત અધિકારી અને ડીવાય.એસ.પી. ઉપવાસ છાવણી ખાતે લેખિત આમંત્રણ લઈને પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોએ પત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.જ્યારે ખેડૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતો અગાઉ જ પોતાની ૬ મુખ્ય માંગણીઓ લેખિતમાં તંત્રને આપી ચૂક્યા છે. હવે માત્ર ચર્ચા માટેનું આમંત્રણ નહીં, પરંતુ દરેક માંગણી અંગે સરકાર શું નિર્ણય લેવા તૈયાર છે તેની સ્પષ્ટ લેખિત ખાતરી જોઈએ.
ખેડૂતોનું કહેવું છે કે સરકારના પત્રમાં માત્ર માંગણીઓ અંગે ટેકનિકલ અભ્યાસ ચાલી રહ્યો હોવાનું જણાવાયું છે, તેમાં કોઈ માંગણી સ્વીકારવા કે તેના ઉકેલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.તેથી, જ્યાં સુધી સરકાર તરફથી માંગણીઓ અંગે લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી વાટાઘાટો નહીં કરવામાં આવે અને આમરણાંત ઉપવાસ યથાવત ચાલુ રહેશે. આમ, સરકારના સંવાદના પ્રયાસો અને ખેડૂતોની લેખિત ખાતરીની માંગ વચ્ચે જેતપર ખેડૂત આંદોલનમાં મડાગાંઠ યથાવત રહી છે.










































