સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ચાલતી ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સ્થાનિક ગુના શોધક શાખા એ કમર કસી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કડક બનાવવાના ભાગરૂપે એલસીબીની ટીમે સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદે કાળા પથ્થરોના ખનનના મસમોટા નેટવર્ક પર ત્રાટકીને કરોડો રૂપિયાની કિંમતી સાધન-સામગ્રી જપ્ત કરી છે. પોલીસની આ ઓચિંતી રેડથી સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સાયલાના મદારગઢ વિસ્તારમાં સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને કોઈ પણ પ્રકારની લીઝ કે મંજૂરી વિના કાળા પથ્થરોનું ગેરકાયદેસર ઉત્ખનન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાતા ૩ અદ્યતન હિટાચી મશીન, ૨ મોટા ડમ્પર અને કમ્પ્રેસર સહિતના ભારે વાહનો અને ઉપકરણો ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી કબજે કરેલા તમામ વાહનો અને ખનનની સામગ્રી મળીને કુલ રૂપિયા ૨ કરોડનો મસમોટો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોના ઈશારે અને કેટલા સમયથી ચાલી રહી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એલસીબી દ્વારા પ્રાથમિક કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, ખનીજ ચોરીની ચોક્કસ આંકડાકીય ગણતરી અને દંડનીય વસૂલાત સહિતની આગળની કડક કાર્યવાહી માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી છે. એલસીબીની આ ઓપરેશનલ સફળતાના કારણે સ્થાનિક સ્તરે ખનીજ ચોરો બેકફૂટ પર આવી ગયા છે.









































