રાજુલા શહેરમાં વર્ષોથી ચાલી આવતી લોકઆસ્થા અને ધાર્મિક પરંપરા મુજબ શનિવારે સારા વરસાદની કામના તેમજ ખેડૂતોને ખેતીમાં કોઈ પ્રકારનું નુકસાન ન થાય તેવા શુભ આશય સાથે ધજા અને નાળિયેર અર્પણ કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ઘુઘરીયાળી મહાદેવ, સુખનાથ મહાદેવ, ભીડભંજન દાદા, ગાયત્રી માતાજી, કોટેશ્વર મહાદેવ સહિત વિવિધ દેવી-દેવતાઓ તેમજ પીર દાદાના પવિત્ર સ્થાનો પર ધજા અને નાળિયેર ચઢાવી પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આહીર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાબા જાલંધરા, નાગજીભાઈ જીંજાળા, મગનભાઈ હડિયા, દિલીપભાઈ જીંજાળા, ધીરુભાઈ જીંજાળા, દિનેશભાઈ કાતરિયા, વિનુભાઈ કલસરિયા, શકુરભાઈ કાતરિયા, બચુભાઈ જીંજાળા, ભવનભાઈ વાણિયા અને છગનભાઈ બલદાણીયા સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી. પરંપરા મુજબ યોજાયેલા આ ધાર્મિક આયોજનમાં ભાવિકોએ સારા ચોમાસા, સમૃદ્ધિ અને ખેડૂતોના કલ્યાણ માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી હતી.











































