અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં રવિવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તાલુકાના સેવાડા, હિપાવડલી, પીપરડી, ધાર, મોટા ભમોદરા, લીખાળા, કાત્રોડી, ખડસલી, વીજપડી અને પિયાવા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. આ વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ખાસ કરીને પીપરડી ગામમાં ધોધમાર વરસાદ પડવાને કારણે સ્થાનિક નદીમાં પાણીની ભારે આવક થઈ હતી, જેના લીધે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં નવા નીરના આગમનથી ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.સાવરકુંડલા તાલુકામાં ચોમાસું સક્રિય થતાં આગામી દિવસોમાં પણ સારા વરસાદની આશા સેવાઈ રહી છે.










































